Get The App

સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News
સસરા મારી ઉપર ખરાબ નજર નાખતા  મારા બેડરૂમમાં કેમેરા લગાડયા હતા 1 - image


MBA થયેલી બેન્ક કેશિયરની સાસરિયાઓ સામે ફરિયાદ : સાસરિયાઓ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઇ આવવા  માટે દબાણ કરતા, નોકરી મળ્યા બાદ સતત પૈસા માગતા

રાજકોટ, : કાલાવડ રોડ પરના કેકેવી સર્કલની બાજુમાં શિવાલીક એપાર્ટમેન્ટમાં રહેતી અને બાલાજી હોલ પાસે એક્સીસ બેન્કમાં કેશિયર તરીકે નોકરી કરતી મીરાબેન (ઉ.વ. 33)એ પતિ રોનક, સસરા રમેશભાઈ ચાવડા, સાસુ સુધાબેન (રહે. ત્રણેય શિવાલીક એપાર્ટમેન્ટ, કેકેવી સર્કલ પાસે), બે નણંદ હીરલ અને બીજલબેન વિરૂધ્ધ મહિલા પોલીસ મથકમાં ત્રાસ અને દહેજ પ્રતિબંધકધારાની કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે સાડા ચાર વર્ષ પહેલાં પ્રેમ થતાં બંને પરિવારની સહમતિથી અઢી વર્ષ પહેલા લગ્ન કર્યા હતાં. લગ્નના થોડા સમય પછી નાની-નાની વાતમાં સાસરિયાઓએ ઝઘડા શરૂ  કરી દીધા હતાં. સાસુ-સસરા કહેતા કે તારા બ્રાહ્મણ જ્ઞાાતિના પિયરના રીત-રિવાજ નહીં ચાલે, અમારા ઘરના નિયમો જ ચાલશે. એટલું જ નહીં તું કામચોર છો તેમ કહી ગેરવર્તન કરતાં હતાં. તારા મા-બાપમાં સંસ્કાર નથી, જેથી તારામાં સંસ્કાર આવ્યા નથી તેવા મેણા-ટોણા મારી તેના માતા-પિતાને ગાળો ભાંડતા હતાં. 

સાથોસાથ તું દહેજમાં કાંઇ લાવી નથી તેમ કહી માતા-પિતા પાસેથી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ લઇ આવવા દબાણ કરતા હતા. પિયરમાંથી કોઇ તેના ઘરે આવે તો સાસરિયાઓ તેની સાથે ઝઘડો કરતાં હતાં. તેની માતાને ઘરે આવવાની પતિએ ના પાડી દીધી હતી. સ્પષ્ટ કહી દીધું હતું કે તમારે દીકરીને મળવું હોય તો બહાર મળી લેવું, હવે પછી આ ઘરમાં ક્યારેય આવતા નહીં. ઘરખર્ચ માંગે તો ના પાડી દેતા હતા. નોકરી મળ્યા બાદ પતિ, સાસુ-સસરા સતત તેની પાસે પૈસાની માગણી કરતા હતા. 

ઘણીવાર પતિ નશો કરીને ઘરે આવતો હતો. ના પાડે તો બોલાચાલી કરી, મારકૂટ કરતો હતો. ગળુ દબાવવાની કોશિષ પણ કરી હતી. સાસુ-સસરા બહારગામ જાય ત્યારે ઘરના દરવાજાને લોક મારી જતા હતા. હાલમાં પણ નોકરીમાંથી પરત આવે ત્યારે દરવાજો ખોલતા નહીં. જેથી તેને પોલીસની મદદ લેવી પડી હતી. 

સાસુ-સસરાએ તેના સોનાના દાગીના અને ડોક્યુમેન્ટ્સ તેની ગેરહાજરીમાં કબાટમાંથી લઇ લીધા છે. ઘરે એકલી હોય ત્યારે સસરા તેની સામે ખરાબ નજર રાખી અભદ્ર વર્તન કરતા હતા. એટલું જ નહીં તેના બેડરૂમમાં સીસીટીવી કેમેરા લગાડેલા હતાં. તેના સસરાએ પુત્ર સાથે સંબંધ નથી તેવી જાહેરાત આપી દીધી હતી. આમ છતાં તેની ગેરહાજરીમાં તેનો પતિ  ઘરે આવતો હતો. તેની બંને નણંદ પણ તેની સાથે ઝઘડો અને બોલાચાલી કરતી હતી. તેના પતિને તેના વિરૂધ્ધ ચડામણી પણ કરતી હતી. 

Tags :