Gujarat

મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી

By GS TEAM
23 Mar 20262 mins read
મારા પિતાને કેન્સર છે એટલે મારે લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી રસ નથી

સગાઇ તૂટી જતાં આરોપીએ પૂર્વ મંગેતરને ગાળો ભાંડી ધમકી આપી : સગાઇ થયાના થોડા સમય પછી જ આરોપીએ લગ્નનો ઇન્કાર કર્યો : સગાઇ તોડવાની મીટિંગ દરમિયાન માથાકૂટ

રાજકોટ, : સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતી અને એક બેંકમાં કેશીયર તરીકે નોકરી કરતી યુવતીએ સગાઇ તોડી નાખતા આરોપી દિવ્યેશ દિલિપ સવજીયાણી (રહે. સ્વામીનારાયણનગર, જામનગર)એ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં નોંધાઇ છે.

જેમાં યુવતીએ જણાવ્યું છે કે, ગત ફેબ્રુઆરી માસમાં તેની સગાઇ થઇ હતી. આરોપી સાથે સુરત ફરી આવ્યા બાદ આરોપીએ તેને કહ્યું કે તેના પિતાને કેન્સર છે, જેથી તેને લગ્ન કરવા પડી રહ્યા છે, બાકી તેને તેની સાથે લગ્ન કરવા નથી. આ પછી તેણે પરિવારજનોને વાત કરતા સગાઇ તોડવાનું તથા સગાઇમાં એકબીજાને આપેલી વસ્તુઓ પરત આપવાનું પણ નક્કી થયું હતું. તેની સાથે રહેતા માસીએ આરોપીના પિતાને આ નિર્ણય અંગે જાણ કરી એકબીજાની વસ્તુઓ પરત આપી દેવાનું કહ્યું હતું. આરોપીના પિતાએ સહમતી આપ્યા બાદ પંદરેક દિવસ સુધી કોઇ જવાબ આપ્યો ન હતો. 

આખરે ગઇ તા. 21નાં રોજ તેના માસીએ ફરીથી ક્યારે આવો છો તેમ પૂછતાં બીજા દિવસે આવવાની વાત કરી હતી. એટલું જ નહીં પામ યુનિવર્સમાં રહેતા સગા વિશાલ સવજીયાણીને ત્યાં બોલાવ્યા હતા. જ્યાં તેના માસી સાથે જતાં આરોપી તેના માતા-પિતા, બહેન વગેરે સાથે હાજર હતો. બંને પક્ષોએ એકબીજાની વસ્તુઓ પરત આપી દીધી હતી.

જતી વખતે અચાનક આરોપીએ સગાઇ તોડવા બાબતે તેને બેફામ ગાળો ભાંડી હતી. તેણે ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ તેને મારવા દોડયો હતો. તેના માસી વચ્ચે પડતાં તેના ગાલ પર વાગ્યું હતું. જતી વખતે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી