Gujarat

હિન્દુ પરિણીતાને મુસ્લિમ બનાવી દીધી ભરૃચમાં બે સંતાનોના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથે નિકાહ કર્યા

By GS TEAM
9 Oct 20252 mins read
હિન્દુ પરિણીતાને મુસ્લિમ બનાવી દીધી  ભરૃચમાં બે સંતાનોના પિતાએ અપરિણીત હોવાનું કહી હિન્દુ પરિણીતા સાથે નિકાહ કર્યા

ભરૃચ  તા.૯ ભરૃચની એક હોસ્પિટલના ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરનાર વિધર્મી બે સંતાનના પિતાએ પોતે અપરિણીત છે તેમ કહી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી પરિણીતાને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદમાં નિકાહ કરી હિન્દુ યુવતીને  મુસ્લિમ બનાવી વડોદરા અને અજમેરની હોટલોમાં શારીરિક શોષણ કરી તડછોડી મૂકતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.  

પ્રાપ્ત માહિતી મુજબ ભરૃચ શહેરના મધ્યમાં આવેલી એક હોસ્પિટલમાં ડોકટરના ડ્રાઈવર તરીકે નોકરી કરતા મકતમપુર વિસ્તારના મુસ્લિમ યુવકે હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી અનુસૂચિત જાતિની પરિણીતાને માર્ચ-૨૦૨૩થી પ્રેમજાળમાં ફસાવી હતી. યુવાને પોતે કુંવારો છે તેમ જણાવી વિશ્વાસ ઊભો કર્યો હતો.

મેડિકલ સ્ટોરમાં નોકરી કરતી યુવાન પરિણીતાના લગ્ન થયા હતા પરંતુ તે પતિ સાથે રહેતી નહી હોવાથી તેવી પરિસ્થિતિનો લાભ ઉઠાવી મુસ્લિમ યુવક પરિણીતાને અમદાવાદ  લઈ જઈ નિકાહ કરી લીધા  હતાં. બાદમાં વડોદરા અને અજમેરની હોટલમાં લઈ જઈ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતાં. થોડા દિવસો બાદ પરિણીતાને જાણ થઇ  હતી કે પ્રેમજાળમાં ફસાવી નિકાહ કરનાર યુવક બે સંતાનોનો પિતા છે. યુવતીને ફસાવનાર યુવકનો ભાંડો ફૂટતા જ તે હોસ્પિટલમાંથી નોકરી છોડીને જતો રહયો હતો.

મુસ્લિમ યુવકનો ફોન પણ સ્વિચ ઓફ આવતા આખરે પરિણીતા ભરૃચ એ ડીવીઝન પોલીસ મથક પહોંચી હતી અને તા.૭ના રોજ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અરજી આપી હતી. પોલીસ તુરંત જ હરકતમાં આવી હતી અને હિન્દુ યુવતીને મુસ્લિમ બનાવનાર યુવકને ઝડપી પાડયો હતો. બાદમાં યુવકે હિન્દુ પરિણીતાને પોતે અપનાવી લેશે તેવી મૌખિક બાંયેધરી આપ્યા બાદ તે  જતો રહ્યો હતો. બીજી બાજુ બાદમાં પાછળથી પરિણીતાએ પણ પોતે ફરિયાદ આપવા માંગતી નહી હોવાનું પોલીસને જણાવ્યું હતું.