નર્મદા: જાહેરાત કર્યાના 8 વર્ષ બાદ થશે રાજવી મ્યુઝિયમનું ભૂમિપૂજન, સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ સમયે થઈ હતી ઘોષણા

Narmada News: સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ 31 ઓક્ટોબર 2018ના દિવસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયા બાદ રાષ્ટજોગ સંદેશ સમયે દેશના રાજવીઓના બલિદાનને યાદ કરીને સ્ટેચ્યુ નજીક રાજવાડા માટે મ્યુઝિયમ બનાવવાની વાત ઉચ્ચારી હતી, તે વાતને આ 31 ઓક્ટોબર 2025ના રોજ 8 વર્ષ થશે. આ જાહેરાત બાદ લગભગ 8 વર્ષે વડાપ્રધાન મોદી અનેક વિકાસ પ્રોજેક્ટ્સ સાથે “મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઈન્ડિયા (MORKI)”નું શિલાન્યાસ કરશે. જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજપૂત રાજા રજવાડાઓનું ભવ્ય મ્યુઝિયમ-સ્ટેચ્યુ બને તેવી માગ વર્ષોથી રાજપૂત કરણી સેના અને ક્ષત્રિય આગેવાનો દ્વારા કરાઈ રહી છે.
લિંબડી ગામ નજીક 5.5 એકર વિસ્તારમાં ફેલાયેલું આ મ્યુઝિયમ રૂ.367.25 કરોડના ખર્ચે વિશ્વસ્તરીય ધોરણે તૈયાર થવાનું છે. ઓક્ટોબર 2027 સુધી તેનું નિર્માણ પૂર્ણ થવાનું અનુમાન છે. જોકે, વર્ષોથી મ્યુઝિયમ બનાવવા અંગે તૈયારીઓ ચાલી રહી છે તેવી માત્ર વાતો જ વહેતી થતી હતી. જોકે, નક્કર કામગીરી કરવા માટે 8 વર્ષનો સમય વિતી ચૂક્યો છે. આ સમયગાળા દરમિયાન ક્ષત્રિય સમાજે અનેક વખત ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી અને અનશન પણ કર્યા છે. 8 વર્ષના લાંબા સમય બાદ હવે સરકારે મ્યુઝિયમના શિલાન્યાસનું બીડું ઝડપ્યું છે. ત્યારે ક્ષત્રિય સમાજમાં થોડો હાશકારો છે.
જાણો આ મ્યુઝિયમ વિશે...
આ મ્યુઝિયમમાં ભારતના રાજવી રાજ્યોના જીવન, સંસ્કૃતિ અને યોગદાનને ઉજાગર કરવામાં આવશે. શરૂઆતની ગેલેરીઓમાં સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને ઢાંચાગત વિકાસમાં તેમનું યોગદાન તેમજ રાષ્ટ્રવાદના ઉદયને દર્શાવાશે. પછીની ગેલેરીઓમાં ભારતના એકીકરણ, “ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેશન” તથા સરદાર વલ્લભભાઈ પટેલની ઐતિહાસિક ભૂમિકાનું જીવંત પ્રદર્શન થશે. ‘હોલ ઓફ યુનિટી’ વિભાગમાં 562 રાજવી રાજ્યોના ધ્વજ, ચિહ્નો અને રાજમુદ્રાઓ પ્રદર્શિત થશે જે ભારતના એકીકરણની વાર્તાને જીવંત બનાવશે.
આધુનિક ટેક્નોલોજી અને ગ્રીન બિલ્ડિંગનો સમન્વય
મ્યુઝિયમમાં ઇન્ટરેક્ટિવ ડિજિટલ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં LED સ્ક્રીનો, ટચ સ્ક્રીન, VR અને પેનોરામિક પ્રોજેક્શન જેવી સુવિધાઓ મળશે. ભવનના આર્કિટેક્ચરલ ડિઝાઇનમાં ગ્રીન બિલ્ડિંગ ધોરણો, સોલાર લાઇટિંગ, ઓછી કાર્બન સામગ્રી અને ઊર્જા-સક્ષમ સિસ્ટમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્કશોપ (કારખાના), સ્મારક દુકાન, થિમેટિક કેફે અને બાળકો માટેના વિભાગ જેવી સુવિધાઓ પણ અહીં ઉપલબ્ધ રહેશે.
રોજગારી, પ્રવાસન અને ટકાઉ વિકાસને મળશે વેગ
આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે ગાઈડ, સ્ટાફ અને સહાયક સેવાઓ માટે નવા રોજગારી અવસર ઊભા થશે. શૈક્ષણિક વર્કશોપ અને ગેલેરીઓ દ્વારા વિદ્યાર્થીઓ અને પ્રવાસીઓ માટે શૈક્ષણિક તેમજ સાંસ્કૃતિક અનુભવોની તક ઉપલબ્ધ થશે. ગ્રીન બિલ્ડિંગ ધોરણો અને પર્યાવરણ મૈત્રી અભિગમ દ્વારા ટકાઉ વિકાસને પ્રોત્સાહન મળશે તેમજ હોટેલ, રેસ્ટોરન્ટ, કેફે અને અન્ય પ્રવાસન સેવાઓ દ્વારા સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે.
એકતા નગરના વિકાસમાં ઉમેરાશે વૈભવી અધ્યાય
સરદાર પટેલની જન્મજયંતિ અને રાષ્ટ્રીય એકતા દિવસના પાવન અવસરે વડાપ્રધાન દ્વારા થનારી આ મ્યુઝિયમ પ્રોજેક્ટની શરૂઆત એકતા નગરના વિકાસમાં નવો અધ્યાય લખશે. આ મ્યુઝિયમ માત્ર રાજવી વારસાનું સંવર્ધન જ નહીં કરે, પરંતુ ભારતના એકીકરણની અમર વાર્તાને નવી પેઢી સુધી પહોંચાડવાનું પ્રેરણાસ્રોત બની રહેશે.

