Gujarat

6.50 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા સચવાયેલા છે, જિઓલોજી વિભાગનું રિનોવેશન

By GS TEAM
27 Jun 20251 min read
6.50 કરોડ વર્ષ જૂના ડાયનાસોરના ઈંડા સચવાયેલા છે,  જિઓલોજી વિભાગનું રિનોવેશન

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના જિઓલોજી વિભાગના મ્યુઝિયમનું ૨૦ લાખ રુપિયાના ખર્ચે શરુ કરાયેલું રિનોવેશન પૂર્ણ થયા બાદ આજે આ મ્યુઝિયમનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.જિઓલોજી વિભાગની સ્થાપના થયા બાદ ૧૯૮૮માં વિભાગમાં જ મ્યુઝિયમ બનાવવામાં આવ્યું હતું.આ મ્યુઝિયમને રિનોવેટ કરવા માટે ગુજરાત સરકારની કંપની જીએમડીસીના ગ્રામ્ય વિકાસ ટ્રસ્ટે ૨૦ લાખ રુપિયાની સહાય આપી હતી.રિનોવેશન બાદ તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વીણા પડિયા, વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલની હાજરીમાં મ્યુઝિયમનું આજે લોકાર્પણ કરાયું હતું.

જિઓલોજીના હેડ પ્રો.અતુલ જોષીનું કહેવું છે કે,  મધ્યપ્રદેશમાંથી અમને ૧૯૯૩માં ડાયનાસોરના ઈંડા મળ્યા હતા.આ ઈંડા ૬૫ મિલિયન વર્ષ એટલે કે ૬.૫૦ કરોડ વર્ષ જૂના હોવાનું અનુમાન છે.તેની સાથે કચ્છમાંથી મળેલા વિવિધ જિવાશ્મિ( ફોસિલ્સ) પણ મ્યુઝિયમમાં સચવાયેલા છે.જે લગભગ ૮ થી ૯ કરોડ વર્ષ જૂના છે.વિભાગના જ પૂર્વ વિદ્યાર્થી અને હવે આર્મી ઓફિસરે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો તે સમયે ત્યાંથી એકઠા કરેલા કેટલાક પથ્થરોના નમૂના પણ મ્યુઝિયમમાં સચવાયેલા છે.આ ઉપરાંત વિદ્યાર્થીઓએ તથા અધ્યાપકોએ ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશની વિવિધ સાઈટ પરથી એકઠા કરેલા પથ્થરો, અલગ અલગ  પ્રકારના રત્નો, કોરલ્સ સહિતના નમૂના પણ સચવાયેલા છે.

પ્રો.જોષીના કહેવા પ્રમાણે  વિવિધ જગ્યાએથી વિદ્યાર્થીઓ નિયમિત રીતે મ્યુઝિયમની મુલાકાત લેતા હોય છે.હવે તેમને વધારે સારી સુવિધા અને વધારે સારો અનુભવ મળશે.