રણોલીમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યા કરનાર હત્યારો 16 વર્ષે પકડાયો
વડોદરાઃ શહેરના રણોલી વિસ્તારમાં લેબર કોન્ટ્રાક્ટરની હત્યાના બનાવના આરોપીને ૧૬ વર્ષ બાદ પોલીસે ઝડપી પાડયો છે.મજૂરીના પૈસા માટે તકરાર થયા બાદ હત્યા કરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
રણોલી જીઆઇડીસી વિસ્તારમાં એલએન્ડટી કંપની પાસે ગઇ તા.૨૭-૧-૨૦૦૯માં લેબર કોન્ટ્રાક્ટર ઇમરાન ઉર્ફે મુન્ના પ્યારેસાહેબ દાયમા(તખલ્લુસ પાર્ક, તાંદલજા) ઉપર પાવડાના હાથા વડે ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોવાનો બનાવ બન્યો હતો.
ઉપરોક્ત બનાવમાં જવાહરનગર પોલીસે તપાસ કરતાં હત્યારાને બચાવવાના ઇરાદે તેને પાગલ જેવા શખ્સે હુમલો કર્યો હોવાનું કેટલાકે કહ્યું હતું.પરંતુ પોલીસે આ વાતને સાચી માની નહતી અને નગા હડિયા ભાઇ સારેલ(બીયાવાડા ગામ,કુશલગઢ, બાંસવાડા,રાજસ્થાન)નામના આરોપીની તપાસ જારી રાખી હતી.લાંબા સમય સુધી આરોપી નહિ મળતાં તપાસ પડતી મુકી હતી.
દરમિયાનમાં જવાહરનગરના પીઆઇ તરીકે ચાર્જ લેનાર જે એન પરમારે પોલીસ સ્ટેશનના ૧૦ મોસ્ટ વોન્ટેડ આરોપીઓની ફરીથી શોધખોળ કરાવી હતી.જેમાં ઉપરોક્ત આરોપીને શોધવા માટે ટીમ રાજસ્થાનમાં મોકલી હતી.આરોપી લાંબા સમયથી લોકેશન બદલતો હોવાથી હાથમાં આવતો નહતો.બે દિવસ પહેલાં તેને ઘેર આવતાં જ પોલીસે દબોચી લીધો હતો.
પોલીસે આરોપીનો પત્તો નથી તેની A સમરી ભરી હતી,૧૦ હજારનું ઇનામ હતું
જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ૧૬ વર્ષ પહેલાં બનેલા હત્યાના બનાવનો આરોપી મળતો નહિ હોવાથી અને તે પાગલ જેવો હોવાની પોલીસને માહિતી મળતાં થોડો સમય સુધી તપાસ કર્યા બાદ તપાસને અટકાવી દેવામાં આવી હતી.પોલીસે આ ગુનામાં કોર્ટમાં એ સમરી ભરી ગુનો બન્યો છે પણ આરોપી મળતો નથી તેવો રિપોર્ટ કર્યો હતો.પોલીસે આરોપી માટે રૃ.૧૦ હજારનું ઇનામ પણ રાખ્યું હતું.