Gujarat

બાલાસિનોરમાં કમળાના રોગચાળા બાદ પાલિકાએ પાણીની લાઇન બદલી

By GS TEAM
8 Feb 20261 min read
બાલાસિનોરમાં કમળાના રોગચાળા બાદ પાલિકાએ પાણીની લાઇન બદલી

- રૂ. 52 લાખના ખર્ચે 3 તબક્કામાં કામગીરી હાથ ધરાઇ

- ટીમ્બામહોલ્લા, સાંઇનગર, નવા રોહિતવાસ, સહિતના વિસ્તારમાં દૂષિત પાણીનો પ્રશ્ન ઉકેલાયો હોવાનો દાવો

બાલાસિનોર : બાલાસિનોરમાં ગત ડિસેમ્બર મહિનામાં પીવાના દૂષિત પાણીના કારણે કમળાનો રોગચાળો વકર્યા બાદ કલેક્ટરની સૂચનાથી પાલિકા દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ૪૦ વર્ષ સુધીની જૂની લાઇનો બદલવાનું કામ હાથ ધરાયું હતું. ત્રણ તબક્કાની આ કામગીરી હવે અંતિમ ચરણમાં પહોંચી છે.

બાલાસિનોરમાં પાલિકા દ્વારા પીવાના પાણીની લાઇન બદલવાની હાથ ધરાયેલી કામગીરી અંગે મળતી વિગતો અનુસાર પ્રથમ તબક્કામાં ૬.૯૨ લાખ રૂપિયાના ખર્ચે ટીમ્બા મહોલ્લા આસપાસમાં ૬૦૦ મીટર લાઇન બદલાઇ હતી. ત્યાર બાદ રૂ.૯ લાખના ખર્ચે બીજા તબક્કામાં સાંઇનગર સોસાયટીમાં ૪૫૦ અને સિટી સર્વે કચેરી નજીક ૧૬૦ મીટરની પાઇપ લાઇન બદલવામાં આવી હતી. ત્યાર બાદ રૂ.૩૬ લાખના ખર્ચે ત્રીજા તબક્કામાં નિલમ સોસાયટીમાં ૩૪૦ મીટર, નવા રોહિતવાસમાં ૫૩૦ મીટર, કીટકીરવાડમાં ૯૫ મીટર અને કડિયાવાડમાં ૬૫ મીટર લાઇન બદલવામાં આવી છે. હવે ફક્ત બારોટવાસમાં ૨૩૦ મીટર લાઇન બદલવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરીના કારણે શહેરના લગભગ વિસ્તારોમાંથી પીવાના પ્રદૂષિત પાણીની સમસ્યા હલ થઇ ગઇ હોવાનો દાવો પાલિકા દ્વારા કરાયો છે.