Gujarat

કપડવંજમાં દબાણો સંદર્ભે 25 દૂકાનદારોને પાલિકાની નોટિસ

By GS TEAM
21 Jun 20252 mins read
કપડવંજમાં દબાણો સંદર્ભે 25 દૂકાનદારોને પાલિકાની નોટિસ

- 15 દિવસમાં યોગ્ય પુરાવા રજૂ કરવા આદેશ

- અગાઉ નોટિસ બાદ કાર્યવાહી નહીં કરી 7 મહિનાનો સમય આપી વ્હાલા-દવલાની નીતિનો આક્ષેપ

કપડવંજ : કપડવંજમાં દબાણો દૂર કરવા બાબતે ૨૫ દુકાનોને પાલિકા તંત્રએ નોટિસ ફટકારી ૧૫ દિવસમાં યોગ્ય પુરાવા રજૂ કરવા આદેશ કર્યો છે. અગાઉ પણ નોટિસ ફટકારી કાર્યવાહી નહીં કરી ૭ મહિનાનો સમય આપી વ્હાલા- દવલાની નીતિનો આક્ષેપ દબાણકર્તાઓ કરી રહ્યા છે.

કપડવંજ પાલિકાના ચીફ ઓફિસરે નોટિસમાં જણાવાયું છે કે, કપડવંજ નગર સેવા સદન વિસ્તારમાં આવેલી મુખ્ય કુમારા શાળા સામેની જગ્યામાં-૮, કુબેરજી ચોકડી-૩, અંતીસર દરવાજા -૧૧, હનુમાજી મંદિર પાસે-૩ મળીને કુલ ૨૫ દુકાન બાંધી ધંધો કરી રહ્યા છે. તેઓને આ નોટીસ મળેથી મિલ્કતના ઉપલબ્ધ આધાર પુરાવા તેમજ કોઈપણ પ્રકારની ફાઈલ કે કોર્ટ મેટર ચાલતી હોય તો દિન-૧૫ (પંદર)માં આધાર પુરાવા સહિત કચેરીએ રજુ કરવા જણાવાયું છે. નગરપાલિકા દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી ગંભીરતા પૂર્વક કરવામાં આવશે તેમ પણ નોટિસમાં જણાવ્યું છે. 

સાત મહિના અગાઉ દબાણ કર્તાઓએ રોષ ઠાલવ્યો હતો એ વખતે નગરપાલિકાએ પણ આ દુકાનદારોને દબાણ દુર કરવા નોટિસ ફટકારી હતી પરંતુ તેમને ન્યાય મેળવવાની તક આપીને સાત મહિનાનો સમય આપ્યો ત્યારે તમારી દુકાનો, ઘર, મિલકત પર ત્વરિત બુલડોઝર ફેરવીને રસ્તે રઝળતા કેમ કરી દીધા ? પાલિકાએ વ્હાલા- દવલાની નીતિ અપનાવી કે અંદરખાને રંધાઈ ગયું તેવા આક્ષેપ દબાણકર્તાઓએ કરવા સાથે આ બાબતે કમિશનર કચેરીએ ન્યાય માંગવા લેખીતમાં રજુઆત કરી ચૂક્યા છે.