Gujarat

વિરમગામમાં પાલિકાનું ભૂગર્ભ ગટરની સફાઇનું મશીન ખાડામાં ફસાયું

By GS TEAM
21 Jun 20251 min read
વિરમગામમાં પાલિકાનું ભૂગર્ભ ગટરની સફાઇનું મશીન ખાડામાં ફસાયું

- ક્રેન અને બે જેસીબીની મદદથી મશીન બહાર કઢાયું

- ગટર લાઇનની કામગીરી કર્યા બાદ યોગ્ય રીતે પુરાણ નહીં કરતા પરિસ્થિતિ સર્જાઇ

વિરમગામ : વિરમગામ શહેરના એસબીઆઇ બેન્ક ટાઉન હોલ સામે ભૂગર્ભ ગટર સફાઈનું સક્શન મશીન ફસાયું હતું. વરસાદ સમયે ગટર લાઇન નાખવાની કામગીરી હાથ ધર્યા બાદ લાઈન નાખ્યા બાદ રોડ ઉપર જરૂરી પુરાણ કે વોટરિંગ કરાતું જ નથી તેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે.

વિરમગામ નગરપાલિકા દ્વારા ટાઉન હોલથી ગણેશ પાર્ક સહિતના શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાણીની લાઈન ગટર લાઈન આરસીસી રસ્તા બનાવવાની કામગીરી ચાલુ છે. ટાઉન હોલ સામેથી એસબીઆઇ બેન્ક સુધી ભૂગર્ભ ગટરની લાઈન તેમજ આઈસી ચેમ્બર તેમજ મેઇન હોલ બનાવવાની કામગીરી કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા હાથ ધરવામાં આવી હતી. ત્યારે નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સફાઈનું સક્શન મશીન ઉતરી પડતા નગરપાલિકાના જવાબદાર એન્જિનિયર તેમજ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે રોષ ફેલાયો હતો. સક્શન મશીન બહાર કાઢવા માટે એક ક્રેન અને બે જેસીબી મશીનથી વાહન બહાર કાઢવામાં આવ્યું હતું. નગરપાલિકા દ્વારા આ જગ્યા ઉપર ટ્રેક્ટર દ્વારા રોડ પર માટી પથરી પુરાણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.