Gujarat

ઈજનેરી જ્ઞાન નહીં ધરાવતા મનપાના શાસકો 6 સિટી ઈજનેરોને પસંદ કરશે

By GS TEAM
13 Sep 20252 mins read
ઈજનેરી જ્ઞાન નહીં ધરાવતા મનપાના શાસકો 6  સિટી ઈજનેરોને પસંદ કરશે

મનપાની ઓફિસર્સ સિલેક્શન પ્રક્રિયાની પુનઃરચના જરૂરી  : મ્યુનિ.કમિશનરે નામો મેયરને મોકલ્યા પણ ગુપ્ત રાખ્યા, : મલાઈદાર જગ્યા ઉપર ભરતીના નામે પરોક્ષ પ્રમોશન અપાશે

રાજકોટ, : સિટી એન્જિનિયર દાયકાઓ પહેલા હતા તેવા એવા હોવા જોઈએ કે જેના નજર હેઠળ થતા ડામરકામ કે બિલ્ડીંગ કે બ્રિજ ટૂંકા સમયમાં જર્જરિત ન બને. આવા રસ્તા ,બિલ્ડીંગ, ડેમ આજે પણ શહેરમાં મોજુદ છે પરંતુ, આવા ઈજનેર નથી. આ સ્થિતિમાં મહાપાલિકામાં 2 એડીશનલ સિટી એન્જિનિયર, 2 સ્પેશિયલ અને 1 કાર્યાપાલક એમ 5 સિવિલ અને 1 મિકેનીકલ-ઈલે. સિટી ઈજનેર સહિત 6 જગ્યા ભરવા બંધબારણે ચાલતી પ્રક્રિયામાં પસંદ થયેલા નામો પર આખરી નિર્ણય લેવા તે જેઓ ઈજનેરી જ્ઞાાન કે અનુભવ ધરાવતા નથી તેવા મેયર,ચેરમેન,ડેપ્યુટી મેયર એ પાંચ શાસકોની ઓફિસર્સ સિલેક્શન કમિટિમાં મુકાયા છે. 

કરોડોના કોન્ટ્રાક્ટ અને બિલો મંજુર કરતી આ મલાઈદાર જગ્યા માટે માનીતાને નિમણુક આપવા લોબીંગ થઈ રહ્યાની ચર્ચા છે. 6 જગ્યા માટે 100થી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી પરંતુ, આ જગ્યામાં ભરતીના નામ પર વાસ્તવમાં એવુ નાટક છે કે મનપામાં જ ફરજ બજાવતા કોઈ ડેપ્યુટીને આ પદ એટલે કે પરોક્ષ રીતે પ્રમોશન જ મળે તેવું ભૂતકાળમાં વર્ષોથી થતું રહ્યું છે. 

મ્યુનિ.કમિશનરે ઈન્ટરવ્યુ લઈને ઈજનેરોના નામો પસંદ કરીને મેયરને મોકલ્યા છે પરંતુ, શંકા જન્મે તે રીતે અને પારદર્શકતા ન રહે તે રીતે આ નામો, આ પસંદગી છુપાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે નોન ટેકનીકલ પદાધિકારીઓ નામ પસંદ કરીને જનરલબોર્ડમાં ઠરાવ પછી સરકારની મંજુરી માટે મોકલાય છે. નવી ભરતી થયા પછી પણ હાલ ડિપ્લોમા સહિત ત્રણ ડે.એન્જિનિયરો જે કામગીરી કરી રહ્યા છે તેમાં કોઈ મોટો સાનુકૂળ ફેરફાર થવાની સંભાવના નહીવત્ છે. કારણ કે ભરતી માટેના નિયમો જ એવા છે કે અંદરથી જ કોઈ પસંદ થાય.