Gujarat

પાલિકાના ઇજનેર કૌશિક પરમારે ધરપકડ ટાળવા આગોતરા જામીન મુક્યા

By GS TEAM
11 Jul 20252 mins read
પાલિકાના ઇજનેર કૌશિક પરમારે ધરપકડ ટાળવા આગોતરા જામીન મુક્યા

વડોદરા : સાત વર્ષ પહેલા  લાંચનું છટકું નિષ્ફળ જતા બચી ગયેલા કોર્પોરેશનના ના.કાર્યપાલક એન્જિનિયર સામે તાજેતરમાં લાંચનો ગુનો દાખલ કરવામાં આવ્યા બાદ ઇજનેરે ફરિયાદ રદ કરવા માટે હાઇકોર્ટમાં દાદ માગતા હાઇકોર્ટે પિટિશન રદ કરી હતી. હાઇકોર્ટના આદેશ બાદ ધરપકડથી બચવા માટે નાયબ ઇજનેરે આગોતરા જામીન અરજી મુકતા આજે બન્ને પક્ષે તેમાં સુનાવણી પુરી થઇ હતી. 

કેસની વિગત એવી છે કે, વર્ષ - ૨૦૧૮ માં આજવા રોડ ખાતે બેલેન્સિંગ રીઝર્વોયરનું ઓપરેશન અને મેન્ટેનન્સનું ત્રણ વર્ષના કામનું ૬૦ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.  જે પૈકી એક કોન્ટ્રક્ટરે ઓનલાઇન ટેન્ડર ભર્યુ હતું. કોર્પોરેશનના કાર્યપાલક એન્જિનિયર કૌશિક શાંતિલાલ  પરમારે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરી  ટેન્ડર મંજૂર કરવા પાંચ ટકા પ્રમાણે ત્રણ લાખની માંગણી કરી હતી. જે પૈકી દોઢ લાખ કોન્ટ્રાક્ટરે આપી દીધા હતા અને બીજા દોઢ લાખ માટે છટકુ ગોઠવવામાં આવતાં તે નિષ્ફળ ગયું હતું.

પરંતુ, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર વચ્ચે થયેલી વાતચીત તથા પંચો રૃબરૃ થયેલા ઓડિયો વીડિયો રેકોર્ડિંગ એફ.એસ.એલ.માં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. તેનું ટેમ્પરીંગ સર્ટિફિકેટ આવતા  એન્જિનિયરે લાંચ માંગી હોવાનો વૈજ્ઞાાનિક પુરાવો મળતા  એન્જિનિયર કૌશિક શાંતિલાલ પરમાર (રહે. ડ્રીમ આઇકોનિયા, ઇવા મોલ પાસે, માંજલપુર)  સામે તા.૨૩ મેના રોજ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ કેસમાં ધરપકડ થવાની સંભાવના જણાતા ઇજનેર કૌશિક પરમારે આગોતરા જામીન અરજી મુકતા તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇએ રજૂઆત કરી હતી કે, આરોપીના વોઇસ સેમ્પલ લેવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે.અરજદારે વોઇસ સેમ્પલ આપવાની ના કહેતા કોર્ટમાં અરજી કરવામાંઆવી છે.

અરજદાર તપાસમાં સહકાર આપતા નથી.આગોતરા જામીન આપવામાં આવશે તો સમાજમાં તેની વિપરીત અસર પડશે અને કેસને નૂકશાન થશે. ગુનાની તપાસ હાલ ચાલી રહી છે. ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ કેસનો ચૂકાદો તા.૧૫ના રોજ આપવાનું ઠરાવ્યું હતું.