લાંચ કેસમાં સંડોવાયેલા પાલિકાના ઇજનેરને વોઇસ સેમ્પલ આપવા આદેશ
સેમ્પલ આપવાની ના કહેતા એસીબીએ કોર્ટમાં અરજી કરી હતી
વડોદરા : સાત વર્ષ પહેલા લાંચનું છટકું નિષ્ફળ જતા બચી ગયેલા કોર્પોરેશનના ના.કાર્યપાલક એન્જિનિયરે વોઇસ સેમ્પલ આપવાની ના કહેતા તેની સામે એસીબીએ કોર્ટમાં અરજી કરી હતી. અદાલતે એસીબીની અરજી મંજૂર કરી અધિકારીને વોઇસ સેમ્પલ આપવાનો આદેશ કર્યો હતો.
કેસની વિગત એવી છે કે, વર્ષ - ૨૦૧૮ માં આજવા રોડ ખાતે બેલેન્સિંગ રીઝર્વોયરનું ઓપરેશન અને મેન્ટેનન્સનું ત્રણ વર્ષના કામનું ૬૦ લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. કોર્પોરેશનના કાર્યપાલક એન્જિનિયર કૌશિક શાંતિલાલ પરમારે કોન્ટ્રાક્ટરનો સંપર્ક કરીત્રણ લાખની લાંચ માગી હતી. એસીબી દ્વારા લાંચનું છટકુ ગોઠવવામાં આવતા તે નિષ્ફળ ગયું હતું.
પરંતુ, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટર વચ્ચે થયેલી વાતચીત તથા પંચો રૃબરૃ થયેલા ઓડિયો વીડિયો રેકોર્ડિંગ એફ.એસ.એલ.માં ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. તેનું ટેમ્પરીંગ સર્ટિફિકેટ આવતા એન્જિનિયરે લાંચ માંગી હોવાનો વૈજ્ઞાાનિક પુરાવો મળતા એન્જિનિયર કૌશિક શાંતિલાલ પરમાર (રહે. ડ્રીમ આઇકોનિયા, ઇવા મોલ પાસે, માંજલપુર) સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે ફરિયાદ રદ કરવા આરોપીએ હાઇકોર્ટમાં દાદ માગતા હાઇકોર્ટે અરજી રદ કરી હતી.
હાઇકોર્ટમાં અરજી રદ થયા બાદ એસીબીએ ગુનાના કામે આરોપી કૌશિક પરમારના અવાજના સેમ્પલ લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેણે ના કહેતા એસીબીએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અદાલતે એસીબીની અરજી મંજૂર કરી ચૂકાદામાં નોંધ્યુ હતુ કે, તપાસના કામે અવાજના નમુના લેવા જરુરી છે. અધિકારીએ આરોપીને પાંચ દિવસનો સમય આપવો અને સ્થળ સમય સાથેની નોટિસ કાઢી આરોપીના અવાજના નમુના લઇ શકાશે તેવો આદેશ કર્યો હતો.
કૌશિક પરમારની આગોતરા જામીન અરજી કોર્ટે રદ કરી
ત્રણ લાખની લાંચ કેસમાં સંડોવાયેલા કોર્પોરેશનના ના.કાર્યપાલક એન્જિનિયર કૌશિક પરમારે એસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે તેવી આશંકા જણાતા કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. તેની સુનાવણીમાં મુખ્ય સરકારી વકીલ અનિલ દેસાઇ હાજર રહ્યાં હતા અને તેમણે રજૂઆત કરી હતી કે, આરોપી સામે ગંભીર પ્રકારનો સમાજ વિરોધી ગુનો છે. અરજી મંજૂર કરવામાં આવશે તો પુરાવા સાથે ચેડા કરશે. તપાસ પ્રારંભિક તબક્કામાં છે. અદાલતે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરી હતી.