Get The App

રૃા.40 હજારની લાંચમાં પકડાયેલા મ્યુનિ.ના ઇજનેર, કર્મચારી રિમાન્ડ પર

જુનિયર ઇજનેર પરેશ પટેલ અને ડેનિશ બારડોલીયાએ કોન્ટ્રાકટરના બીલનો ચેક રીલીઝ કરવા મ્યુનિ.ના શાળાના પટાંગણમાં લાંચ લીધી હતી

Updated: Nov 3rd, 2023

GS TEAM


Google News
Google News
રૃા.40 હજારની લાંચમાં પકડાયેલા મ્યુનિ.ના ઇજનેર, કર્મચારી રિમાન્ડ પર 1 - image


સુરત

જુનિયર ઇજનેર પરેશ પટેલ અને ડેનિશ બારડોલીયાએ કોન્ટ્રાકટરના બીલનો ચેક રીલીઝ કરવા મ્યુનિ.ના શાળાના પટાંગણમાં લાંચ લીધી હતી

      

સ્ટ્રીટ લાઈટ રીપેરીંગ-નિભાવના ઈજારેદાર પાસેથી 20.36 લાખના બિલોની મંજુરી પેટે રૃ.40 હજારની લાંચના છટકામાં ઝડપાયેલા સુરત મહાનગર પાલિકાન અઠવા ઝોનના આરોપી જુનિયર ઈજનેર પરેશ પટેલ તથા ડેનિસ બારડોલીયાને ત્રણ દિવસની રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરતાં કોર્ટે બંને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

સુરત મહાનગર પાલિકાના અઠવા ઝોન ઓફીસના લાઈટ વિભાગના ઈલેકટ્રીક જુનિયર એન્જિનિયર પરેશ પટેલ તથા મેઈન્ટેનન્સ આસીસ્ટન્ટ ડેનિસ બારડોલીયાએ સ્ટ્રીટ લાઈટના મરમ્મત તથા નિભાવનો ઈજારેદારના 20.36 લાખના બિલોના વ્યવહાર પેટે એક ટકા લેખે રૃ.20 હજાર મળીને 40 હજારની લાંચ માંગી હતી.જે અંગે એસીબીએ ગોઠવેલા લાંચના છટકામાં બંને આરોપીઓ રંગે હાથે લાંચ લેતા ઝડપાઈ જતાં આરોપીઓની એસીબીએ ધરપકડ કરી આજે ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કર્યા હતા.

જે રિમાન્ડ અરજીની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી ઉમેશ પાટીલે જણાવ્યું હતું કે ફરિયાદી દ્વારા લાંચના છટકા અગાઉ લાંચની લેતી દેતી અંગે વોઈસ રેકોર્ડીંગ કર્યું હોઈ પ્રથમ દર્શનીય કેસ છે.આરોપીઓએ આ અગાઉ આવા અન્ય કોન્ટ્રાક્ટર પાસેથી બીલ બનાવવા માટે લાંચ પેટે નાણાં લીધા છે કે કેમ તેની તપાસ કરવાની છે.આરોપીઓએ લીધેલા લાંચના 40 હજાર કબજે કરવામાં આવ્યા છે.આરોપીઓ અન્ય કોઈ અધિકારી કે કર્મચારીને કેટલી રકમનો હિસ્સો આપવાનો છે કે કેમ  તેની તપાસ કરવાની છે.આરોપીઓએ ફરિયાદી પાસેથી મેળવેલા સ્વીકારેલી લાંચની રકમ અંગે કોઈ સ્પષ્ટતા કરતા ન હોઈ વધુ તપાસ હાથ ધરવાની જરૃર છે.જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓને એક દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો છે.

Tags :