Get The App

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિવૃત્ત કર્મચારીઓને ફરી ફરજ ઉપર રાખી દસ વર્ષમાં દસ કરોડ ચૂકવ્યાં

અગાઉના મ્યુનિ. કમિશનર, ડેપ્યુટી મેયર,વિપક્ષનેતાના પી.એ. નિવૃત્ત થયા પછી ફરી કોન્ટ્રાકટથી ફરજ બજાવતા હોવાનો ઘટસ્ફોટ

Updated: Aug 20th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નિવૃત્ત કર્મચારીઓને ફરી ફરજ ઉપર રાખી દસ વર્ષમાં દસ કરોડ ચૂકવ્યાં 1 - image


અમદાવાદ,મંગળવાર,19 ઓગસ્ટ,2025

ગુજરાત સરકાર ૫૦ કે તેથી વધુ વયના કર્મચારી-અધિકારીઓને સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ આપે છે.જયારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વય મર્યાદાના કારણે નિવૃત્ત થયેલા ૮૧૦ કર્મચારી-અધિકારીઓને કોન્ટ્રાકટ ઉપર ફરી ફરજ ઉપર હાજર કરી  પ્રતિ માસ  રુપિયા ૮૭ લાખથી વધુ રકમ ચૂકવવામાં આવી છે.દસ વર્ષમાં રુપિયા દસ કરોડ ચૂકવ્યાં છે.અગાઉના મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મેયર ઉપરાંત વિપક્ષનેતાના પર્સનલ આસિસ્ટન્ટ નિવૃત્તિ પછી ફરી કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવી રહયા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્રમાં રાજય સરકારના નિર્ણયથી વિપરીત કાર્યપ્રણાલી અપનાવામા આવી રહી છે. કોર્પોરેશનના તમામ વિભાગોમાં અલગ અલગ હોદ્દા ઉપર રહેલા અધિકારીઓને એજ હોદ્દા ઉપર અથવા મૂળ વિભાગમાં કોન્ટ્રાકટ ઉપર ફરીથી નોકરી ઉપર રાખવામા આવેલા છે.એડવોકેટ અતિક સૈયદે કહયુ,દસ વર્ષના સમયમાં સૌથી વધારે સિનિયર અને હેડ કલાર્કને ફરીથી  નોકરી ઉપર રાખવામા આવ્યા છે.ગાર્ડન સુપરવાઈઝર, આસિસ્ટન્ટ મેનેજર, હાઉસિંગ સેલ,ઈજનેર તથા એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ વિભાગમાં નિવૃત્તિ પછી કર્મચારી અને અધિકારીઓને નોકરી ઉપર લેવામા આવ્યા છે.૧૧ માસના કરાર આધારીત આ કોન્ટ્રાકટને ફરી રીન્યુ પણ કરવામા આવી રહયા છે.

વર્ષ મુજબ કોન્ટ્રાકટથી લેવામા આવેલા કર્મચારી-અધિકારી

વર્ષ            સંખ્યા

૨૦૧૫-૧૬     ૧૯

૨૦૧૬-૧૭     ૪૪

૨૦૧૭-૧૮     ૬૬

૨૦૧૮-૧૯     ૧૪૬

૨૦૧૯-૨૦     ૮૩

૨૦૨૦-૨૧     ૧૫૨

૨૦૨૧-૨૨     ૧૧૫

૨૦૨૨-૨૩     ૩૦

૨૦૨૩-૨૪     ૮૪

૨૦૨૫-૨૬     ૧૩

નિવૃત્તિ પછી આઠ વર્ષ સુધી કોન્ટ્રાકટ ઉપર ફરજ બજાવી

 કોર્પોરેશનના ઈન્ડસ્ટ્રીયલ રીલેશન વિભાગમાં  ગુલામનબી શેખે નિવૃત્તિ પછી લેબર ઓફિસર તરીકે  આઠ વર્ષ ફરજ બજાવી હતી. કુટુંબ કલ્યાણ અધિકારી તરીકે કિન્નરી બહેન મહેતાએ પણ આઠ વર્ષ ફરજ બજાવી હતી.જયારે અમરીશ જાનીએ ઈન્ડસ્ટ્રીયલ રીલેશન વિભાગમાં લેબર ઓફિસર તરીકે ચાર વર્ષ ફરજ બજાવી હતી.


Tags :