શહેરના નિલમબાગ સર્કલ પાસે રૂા. 60 કરોડના ખર્ચે મનપા ઓડીટોરીયમ બનાવશે

- અત્યાધુનિક ઓડીટોરીયમ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી કક્ષાએથી પરામર્શ અપાયો
- ઓડીટોરીયમમાં આશરે 850 લોકો બેસી શકે તેવુ આયોજન કરાશે : આગામી દિવસોમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે
ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના મધ્ય વિસ્તારમાં નિલમબાગ સર્કલ પાસે એલ.આઈ.સી. ઓફિસની બાજુમાં આવેલ મહાનગરપાલિકા હસ્તકની જગ્યામાં અંદાજિત રૂપિયા ૬૦ કરોડના ખર્ચે અત્યાધુનિક ઓડીટોરીયમ બનાવવા માટે સ્ટેન્ડિંગ કમિટી કક્ષાએથી પરામર્શ આપવામાં આવેલ છે તથા તે અન્વયે ટેન્ડર પ્રક્રિયા થયેથી આકર્ષક બિલ્ડીંગ સાથે ઓડીટોરીયમ બનાવવામાં આવનાર છે. આ ઓડીટોરીયમમાં તમામ જરૂરી સર્વિસીસ જેવી કે, ફાયર સેફટી સિસ્ટમ, જનરેટર રૂમ, લિફટસ, કંટ્રોલ-મેન્ટેનન્સ રૂમ, યુ.પી.એસ. રૂમ, સર્વર રૂમ સાથે બનાવવામાં આવનાર છે. વધુમાં સ્ટેજ સાઈડ લાઈટ કંટ્રોલ રૂમ, સાઉન્ડ કંટ્રોલ રૂમ, કોન્સોલ રૂમ, ઈલેક્ટ્રીક પેનલ રૂમનું આયોજન થયેલ છે.
મહાપાલિકા દ્વારા ઓડીટોરીયમમાં ગ્રાઉન્ડ ફલોર, અપર ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોર મુજબ સ્ટ્રકચરલ ડીઝાઈન બનાવી સ્પેસનો મહત્તમ ઉપયોગ થયેલ છે. જેમાં આ ઓડીટોરીયમ ૮૫૦ માણસો બેસી શકે એટલી કેપેસીટીનું બનાવવા આર્કીટેકટ દ્વારા આયોજન થયેલ છે તેમ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને માહિતી આપતા જણાવેલ છે.
લીઝ પ્લોટમાંથી તાજેતરમાં મહાપાલિકાએ દબાણ હટાવ્યાં હતા
ભાવનગર મહાપાલિકાની દબાણ હટાવ સેલની ટીમે તાજેતરમાં નિલમબાગ સર્કલ પાસે આવેલ લીઝ પ્લોટમાંથી દબાણ હટાવ્યા હતા અને આ પ્લોટની લીઝ મહાપાલિકાએ રીન્યુઅલ કરી ન હતી. ઓડીટોરીયમ બનાવવા માટે આ પ્લોટનો કબજો મહાપાલિકાએ લઈ લીધો છે અને તેની બાજુમાં આવેલ બસ ગેરેજની કેટલીક જગ્યા પણ ઓડીટોરીયમમાં ઉપયોગમાં લેવામાં આવશે તેમ મહાપાલિકાના સુત્રોએ જણાવેલ છે.

