આણંદમાં એકતા અને નિશાંત હોટેલને મનપાએ સીલ માર્યા
- સ્વચ્છતાનો અભાવ, ફૂગવાળું ખાવાનું અપાતું હતું
- સામરખા ચોકડી પાસે અને રેલવે સ્ટેશન વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ બાદ કાર્યવાહી
આણંદ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મહાનગરપાલિકા વિસ્તારની વિવિધ હોટલ, રેસ્ટોરન્ટ ખાતે સ્વચ્છતા બાબતે તપાસણી ઝૂંબેશ શરૂ કરાઈ છે. ત્યારે મનપાના મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ, સેનેટરી ઈન્સ્પેક્ટર સહિતની ટીમે આણંદની સામરખા ચોકડી પાસે આવેલી હોટલ એકતા અને રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલી હોટલ નિશાત ખાતે જરૂરી તપાસણી કરાઈ હતી. જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ બંને એકમોમાં જોવા મળી છે.
જેમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો છે. વાસી ફૂગવાળું ખાવાનું મળી આવ્યું હતું.
ઉપરાંત અખાદ્ય પદાર્થો રાખવામાં આવ્યા હતા, ખાદ્ય પદાર્થો ખુલ્લા જોવા મળ્યા છે, બટાટા સડી ગયેલા માલુમ પડયા અને ગંદકી જોવા મળી હતી. મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ હોટલો ખાતે હાઈજીન અને સ્વચ્છતા બાબતે જરૂરી તપાસણી કરતા બિલકુલ હાઈજિન ન હોવાથી અને લોકોના આરોગ્યને જોખમીરૂપના લીધે તાત્કાલિક અસરથી આ હોટલો કાયદાની જોગવાઈને આધીન સીલ કરવામાં આવી છે.