Get The App

સુભાષનગરની આવાસ યોજનામાં 46 મકાનને મહાપાલિકાએ સીલ માર્યા

Updated: Dec 30th, 2025

GS TEAM

Google News
Google News
સુભાષનગરની આવાસ યોજનામાં 46 મકાનને મહાપાલિકાએ સીલ માર્યા 1 - image

- ગત નવેમ્બર માસમાં મહાપાલિકાએ ભાડુઆતના મામલે તપાસ હાથ ધરી હતી 

- 120 ભાડુઆતને 3 દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ આપી હતી, 74 આવાસ માલિકે ભાડે નહીં આપવાની બાહેધરી આપી 

ભાવનગર : ભાવનગર શહેરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ ભાડે આપવાનો ધંધો શરૂ થયો છે, જેના કારણે મહાપાલિકાએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને આવાસ ભાડે હોય અથવા મૂળ લાભાર્થીના બદલે અન્ય કોઈ રહેતુ હોય તો નોટિસ ફટકારવામાં આવી હતી. આજે સોમવારે મહાપાલિકાની ટીમે ૪૬ મકાનને સીલ મારતા ફફડાટ ફેલાયો છે. 

ભાવનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગત તા. રર નવેમ્બર-ર૦રપ ના રોજ સુભાષનગર, અમીરજી પાર્કમાં ફાઈનલ પ્લોટ નં.૨૯માં આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાની બિલ્ડીંગમાં ભાડુઆતોની તપાસ માટે પહોંચી ત્યારે ભાડુઆતોની ભરમાર ભરી હોય તેમ ૩૨૦ આવાસમાંથી ૧૨૦માં ભાડુઆતો રહેતા હોવાનું તેમજ ૧૦૫ મકાનમાં મૂળ લાભાર્થી અને ૯૫ મકાનને તાળા લટકેલા જોવા મળ્યા હતા, જેના પગલે મહાપાલિકાની ટીમે ત્રણ દિવસમાં મકાન ખાલી કરવા નોટિસ ફટકારી હતી. ત્યારબાદ મહાપાલિકાએ કોઈ કાર્યવાહી કરી ન હતી અને આજે સોમવારે અચાનક મહાપાલિકાની ટીમે કામગીરી હાથ ધરી ૧ર૦ પૈકી ૪૬ મકાનને સીલ મારી દીધા હતા, જેમાં ભાડુઆત તેમજ નોટિસનો જવાબ ન આપ્યો હોય તેવા મકાનનો સમાવેશ થાય છે, જયારે ૭૪ આવાસ માલિકે આવાસ ભાડે નહીં આપવાની લેખિત બાહેધરી આપી હતી તેથી તેઓને સીલ મારવામાં આવ્યા ન હોવાનુ જાણવા મળેલ છે. 

ઉલ્લેખનીય છે કે, ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સરકારની આર્થીક રીતે નબળા વર્ગના ઘરવિહોણા કુટુંબોને પોતાના ઘરનું ઘર મળી રહે તે હેતુ સરની પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અલગ-અલગ સ્થળો પર આવાસોના બાંધકામ કરવામાં આવેલ છે. યોજનાની ગાઈડલાઈન અને અરજીપત્રકમાંની શરતો મુજબ લાભાર્થી કબજા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ/આસામીઓને રહેણાંકીય કે અન્ય ઉપયોગ માટે આપી શકતા નથી તેમ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના કાર્યપાલક ઇજનેર (પીએમએવાય ઘટક)એ માહિતી આપતા જણાવેલ છે. 

ફુલસર આવાસ યોજનામાં બે દિવસમાં ભાડે મકાન સીલ કરાશે 

ભાવનગર મહાનગરપાલિકાના દ્વારા ૨૫૪૮ ઈ.ડબ્લ્યુ.એસ.૧ પ્રધાનમંત્રી આવાસ યોજના પૈકી ભાવનગર શહેરના ફુલસર ખાતે આવેલ ફાઈનલ પ્લોટ નં.૩૦, શિવશક્તિ પાર્ક સામે ૨૫૬ આવાસોમાં ભાડુઆત બાબતનો સર્વે ગત તા. ૧૪ ડિસેમ્બરે મહાપાલિકાના જુદા જુદા વિભાગની ટીમાએ સર્વે હાથ ધર્યો હતો. આ દરમિયાન કુલ- ૧૦૪ આવાસોમાં મૂળ લાભાર્થી કરતા અન્ય આસામીઓ રહેતા હોવાનું ફિલત થતા મૂળ લાભાર્થીઓને અન્ય રહેણાંકકર્તા ભાડુઆતને દિન-૦૩ માં આવાસ ખાલી કરવા તાકીદ નોટિસ આપીને આવાસો ખાલી કરાવવા જાણ કરાઈ હતી. આગામી બે દિવસમાં આ આવાસ યોજનામાં ભાડે મકાનને સીલ મારવાની કામગીરી કરવામાં આવશે તેમ મહાપાલિકાના અધિકારીએ જણાવ્યુ હતું.