Gujarat

આવાસ યોજનામાં ભાડૂઆતના મામલે મહાપાલિકાએ 23 ફલેટને સીલ માર્યા

By GS TEAM
21 Feb 20262 mins read
આવાસ યોજનામાં ભાડૂઆતના મામલે મહાપાલિકાએ 23 ફલેટને સીલ માર્યા

- મહાપાલિકાએ નોટિસ આપ્યા બાદ પણ લાભાર્થી નિષ્ક્રીય રહેતા કાર્યવાહી 

- તરસમિયાની બે આવાસ યોજનામાં મહાપાલિકાએ સીલ મારવાની કાર્યવાહી કરતા ફફડાટ 

ભાવનગર : ભાવનગર શહેરમાં તરસમિયાની બે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આવાસ ભાડે આપવાના મામલે આજે શુક્રવારે મહાપાલિકાએ ર૩ ફલેટને સીલ મારતા ફફડાટ મચી જવા પામી છે. આ લાભાર્થીઓને મહાપાલિકાએ નોટિસ આપી છતા લાભાર્થી નિષ્ક્રીય રહેતા કાર્યવાહી કરવામાં આવી છે. 

મહાનગરપાલિકાના દ્વારા શહેરના તરસમિયા ખાતે ફાઈનલ પ્લોટ નંબર-પ૧ ખાતેની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગત તા. ર૭ જાન્યુઆરીએ ભાડુઆતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં કુલ પ૬ આવાસ આવેલા છે, જેમાં ર૪ ભાડુઆત હતા અને ૧૪ મુળ લાભાર્થી હતા, જયારે ૧૮ બંધ મકાન જોવા મળ્યા હતાં. ભાડુઆતોને સાત દિવસમાં આવાસ ખાલી કરવા નોટિસ આપી હતી. ર૪ ભાડૂઆત પૈકી ૭ આવાસોના મુળ લાભાર્થી દ્વારા દંડની રકમ, સોસાયટી એનઓસી અને બાંહેધરી વિભાગ ખાતે રજૂ ન કરવા ભાડૂઆત આવાસ ખાલી ન કરાવેલ હોવાનું પ્રસ્થાપીત ગણીને ૭ આવાસને આજે શુક્રવારે સિલીંગ કરવામાં આવેલ છે. ઉપરાંત સિલીંગનો દંડ ફટકારવામાં આવેલ છે. 

મહાનગરપાલિકાના દ્વારા રપ૪૮ ઇ.ડબલ્યુ.એસ-૧ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મહાદેવનગરની બાજુમાં, ખારસી સામે, તરસમિયા રોડ ખાતે ફાઈનલ પ્લોટ નંબર-૪૮ માં ગત તા. ૧૦ ફેબુ્રઆરીએ ભાડુઆતના મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ આવાસ યોજનામાં કુલ ૯ર આવાસ આવેલા છે, જેમાં ૩૩ ભાડુઆત હતા અને ૩પ મુળ લાભાર્થી હતા, જયારે ર૪ બંધ મકાન જોવા મળ્યા હતાં. ભાડુઆતોને ૭ દિવસમાં આવાસ ખાલી કરવા તાકીદ નોટિસ આપીને આવાસો ખાલી કરાવવા જાણ કરવામાં આવેલ હતી. ૩૩ ભાડૂઆત પૈકી ૧૬ આવાસના મુળ લાભાર્થી દ્વારા દંડની રકમ, સોસાયટી એનઓસી અને બાંહેધરી વિભાગ ખાતે રજૂ ન કરવા ભાડૂઆત આવાસ ખાલી ન કરાવેલ હોવાનું પ્રસ્થાપીત ગણીને ૧૬ આવાસને આજે શુક્રવારે સિલીંગ કરવામાં આવેલ છે. ઉપરાંત સિલીંગનો દંડ ફટકારવામાં આવેલ છે. 

આવાસના કેટલાક લાભાર્થીઓ નિયમનું પાલન નહીં કરતા નથી 

આવાસ યોજનાની ગાઈડલાઈન અને અરજીપત્રકમાંની શરતો મુજબ લાભાર્થી કબજા ફાળવણીથી સાત વર્ષ સુધી આવાસ વેચાણથી આપી શકતા નથી તેમજ ભાડાથી કે અન્ય કોઈ રીતે સગા સંબંધીઓ/આસામીઓને રહેણાંકીય કે અન્ય ઉપયોગ માટે આપી શકતા નથી તેમ ભાવનગર મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગના કાર્યપાલક ઇજનેર (પીએમએવાય ઘટક)એ માહિતી આપતા જણાવેલ છે. નિયમનો ભંગ કરી લાભાર્થીઓ ફલેટ આપે છે ત્યારે મહાપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે.