Get The App

સરદાર ભુવનનો કાટમાળ હટાવવાના કામમાં મનપાના જ નિયમોના ધજાગરા

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
સરદાર ભુવનનો કાટમાળ હટાવવાના કામમાં મનપાના જ નિયમોના ધજાગરા 1 - image

- ધૂળની ડમરીઓથી રાહદારીઓ અને વેપારીઓ બેહાલ

- શહેરમાં વાયુ પ્રદૂષણ રોકવા સાઇટ પર નેટ બાંધવાના આદેશ આપનારું તંત્ર પોતાની જ કામગીરીમાં તકેદારી રાખવાનું ભૂલ્યું

નડિયાદ : નડિયાદ શહેરના વ્યસ્ત ગણાતા સંતરામ રોડ પર સ્થિત સરદાર ભુવનને તોડી પાડયા બાદ છેલ્લા ૪ દિવસથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી આસપાસના રહેવાસીઓ અને વેપારીઓ માટે આફત સાબિત થઈ રહી છે. ડિમોલિશન સ્થળેથી મોટા પ્રમાણમાં ધૂળની ડમરીઓ ઉડી રહી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં વાયુ પ્રદૂષણ ફેલાયું છે અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદો ઉઠી છે. આશ્ચર્યની વાત એ છે કે, સામાન્ય નાગરિકોને બાંધકામ સમયે નિયમોનું પાલન કરવાની સૂચના આપતું તંત્ર પોતે જ પોતાના જારી કરેલા નોટિફિકેશનનું ઉલ્લંઘન કરી રહ્યું છે.

નડિયાદ મનપાએ થોડા સમય અગાઉ જ શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે બાંધકામ કે ડિમોલિશનની સાઇટ પર લીલીનેટ બાંધવી ફરજિયાત હોવાનો નિયમ બનાવ્યો હતો. જોકે, સરદાર ભુવનના કિસ્સામાં મનપાએ પોતે જ આ નિયમ નેવે મૂક્યો છે. કાટમાળ ભરતી વખતે અને ટ્રકોની અવરજવર દરમિયાન હવામાં ઉડતી ધૂળને કારણે આસપાસના દુકાનદારોનો માલસામાન બગડી રહ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે, જો તંત્ર દ્વારા કામગીરી દરમિયાન સતત પાણીનો છંટકાવ કરવામાં આવે તો ધૂળ ઉડતી અટકી શકે તેમ છે, પરંતુ આવી સામાન્ય તકેદારી રાખવામાં પણ વહીવટી તંત્ર નિષ્ફળ નીવડયું છે. તંત્રની આ પ્રકારની કામગીરીથી શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે, જો મનપા પાસે મોંઘા મશીનોની સુવિધા ન હોય તો પણ ટેન્કર દ્વારા પાણીનો છંટકાવ જેવી પાયાની વ્યવસ્થા કરી શકાય તેમ હતી. સરદાર ભુવનનો કાટમાળ હજુ પણ મોટા જથ્થામાં સ્થળ પર પડયો હોવાથી આગામી દિવસોમાં ગંદકી અને પ્રદૂષણની સમસ્યા વધુ વકરે તેવી ભીતિ સેવાઈ રહી છે. 

નડિયાદમાં આવી ડિમોલિશનની કામગીરી વર્ષોમાં એકાદવખત જ થતી હોય છે : મનપા ડે. કમિશનર

આ ગંભીર બેદરકારી અંગે નડિયાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળે જણાવ્યું હતું કે, નડિયાદમાં આવી મોટા પાયે ડિમોલિશનની કામગીરી વર્ષોમાં એકાદ વખત જ થતી હોય છે. તેમણે મનપાનો બચાવ કરતા ઉમેર્યું હતું કે, મોટા શહેરોમાં ધૂળને ડામવા માટે વપરાતા ફોગ મશીનની કિંમત ૧ કરોડ રૂપિયાથી વધુ હોય છે, જે નડિયાદ જેવા શહેર માટે વસાવવું હાલના તબક્કે આથક રીતે શક્ય નથી. નડિયાદમાં સતત ડિમોલિશન થતા ન હોવાથી આવા મોંઘા સાધનોની ખરીદી અત્યારે કરી શકાય તેમ નથી.