મનપાની પોલંપોલઃ રાજકોટમાં રોડ પરનું સ્પીડબ્રેકર વરસાદમાં તણાયું
શહેરમાં તદ્દન હલકી ગુણવત્તાના ઈજનેરી કામનો નમૂનો : માત્ર 4 માસ પહેલાં મવડી વિસ્તારમાં સીમેન્ટ રોડ પર ખડકેલું 5-10 ટન ડામર માલનું સ્પીડબ્રેકર ઢસડાઈને આડું થઈ ગયું
રાજકોટ, : રાજકોટમાં સામાન્ય વરસાદથી રસ્તા ધોવાય જાય, બેસી જાય, વાહનો ખુંચી જાય તેવા બનાવો તો બનતા રહ્યા છે અને હવે મનપાના નબળા કામના નમુનારૂપ મવડી વિસ્તારમાં રોડ ઉપર કરેલું ડામરનું એક સ્પીડબ્રેકર જ તણાઈ ગયું છે.
પ્રાપ્ત વિગત અનુસાર હજુ ચાર માસ પહેલા જ મવડીના ધમધમતા રોડ પર આ સ્પીડબ્રેકર સીમેન્ટ રોડ ઉપર બનાવાયું હતું. પરંતુ, રસ્તા ઉપર ખાડાની મરમ્મત પછી હવે સ્પીડબ્રેકરના કામમાં પણ બોન્ડીંગ પર ઈજનેરી લક્ષ્ય નહીં અપાતા આ સ્પીડબ્રેકર રસ્તા પરથી છૂટુ થઈ ગયું હતું અને આડુ થઈને રસ્તાની સાઈડે ફૂટપાથ પાસે પહોંચી ગયું હતું.
ઈજનેરી સૂત્રો અનુસાર આ સ્પીડબ્રેકર માટે આશરે અર્ધી ગાડી જેટલો એટલે કે પાંચથી દસ ટન ડામરપ્રિમિક્સ માલ વપરાતો હોય છે, અને વોર્ડ એન્જિનિયર વસાવા દ્વારા કોન્ટ્રાક્ટર મારફત આ કામગીરી કરવામાં આવી હતી. સ્પીડબ્રેકર તોતિંગ વજનનું અને જમીન સાથે જોડાયેલું હોય જે ગમે તેવા પૂરમાં કમસેકમ શહેરમાં તણાય નહીં પરંતુ, રાજકોટ મનપામાં હવે બધુ સંભવ છે.આ અંગે હજુ સુધી એજન્સી અને વોર્ડના એન્જિનિયર સામે હજુ સુધી કોઈ પગલા લેવાયાની જાહેરાત કરાઈ નથી. બીજી તરફ, શહેરમાં સ્પીડ બ્રેકર મુકવામાં પણ કોઈ નીતિ કે નિયમોનો અમલ થતો હોય તેવું દેખાતું નથી. સરદારનગર રોડ પર એક જ જગ્યાએ બે-બે સ્પીડબ્રેકર મુકી દેવાયા છે તો ટાગોરરોડ સહિત મુખ્યમાર્ગોને જોડતા નાના માર્ગો પૂરપાટ મુખ્ય માર્ગ પર ધસી ન આવે તે માટે સ્પીડબ્રેકરનો અભાવ છે. સ્પીડબ્રેકરની સાઈઝ પણ અલગ અલગ હોય છે.