- વઢવાણના કંસારાવાડ સહિતના વિસ્તારમાં
- ખાડાઓને કારણે ટ્રાફિકજામ, ટુ-વ્હીલર ખાબકવાના બનાવો વધ્યા : અકસ્માત કે જાનહાનિ થાય તે રીપેરિંગ કરવા માંગ
સુરેન્દ્રનગર : વઢવાણ શહેરની મુખ્ય બજારમાં કંસારાવાડ વિસ્તાર તેમજ આસપાસ મનપા તંત્ર દ્વારા નલ-સે-જલ યોજના હેઠળ નવી પાણીની પાઈપલાઈન નાખવા માટે અંદાજે ૦૫થી વધુ મસમોટા ખાડાઓ કરવામાં આવ્યા હતા.
કામગીરી પૂર્ણ થયા બાદ પણ તંત્ર દ્વારા ખાડાઓનું યોગ્ય રીતે બુરાણ કરવામાં નહીં આવતા રસ્તા પર થી પસાર થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેમજ રસ્તા પર સતત ડહોળું પાણી ફેલાઈ છે આ ઉપરાંત મુખ્ય બજારમાં ખાડાઓ હોવાથી અવારનવાર ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે તેમજ ટુ-વ્હીલર અને બાઈક ખાડામાં પડવાનાં બનાવો પણ બને છે. જ્યારે ઈમરજન્સી દરમિયાન ખાડાઓને કારણે ૧૦૮ એમ્બ્યુલન્સ પણ મુખ્ય બજારમાં પ્રવેશી નહી શકતા શિયાણીની પોળ તરફથી ફરીને જવું પડે છે જેના કારણે દર્દીઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેેલી પડે છે. જે અંગે જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત મનપા તંત્રને રજૂઆત કરી હોવા છતાં કોઈ જ ઉકેલ આવ્યો નથી આથી કોઈ મોટી જાનહાનિ કે દુર્ઘટના સર્જાઈ તે પહેલા ખાડાઓનું યોગ્ય રીતે બુરાણ તેમજ પાણીનો નિકાલ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.


