મહાપાલિકાની સ્ટેન્ડીંગની બેઠકમાં પેવર રોડ સહિતના રૂા. 6.74 કરોડના કામોને મંજૂરી
- રહેણાંકીય લીઝપટ્ટા સહિતના 28 ઠરાવને સર્વાનમુતે બહાલી અપાઈ
- નિલમબાગ સર્કલના નવીનીકરણ કામની સમય મર્યાદા ઘટાડીને 9 માસના બદલે 6 માસ કરાઈ
મહાપાલિકાના હોલ ખાતે આજે સોમવારે સાંજે સ્ટેન્ડીંગ કમિટિની બેઠક ચેરમેનના અધ્યક્ષ સ્થાને બંધ બારણે મળી હતી. સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં રૂા. ૬.૭૪ કરોડના વિકાસના કામને મંજૂરી આપવામાં આવી હતી, જેમાં નિલમબાગ સર્કલના નવીનીકરણ માટે રૂા. ૬૪.૩૪ લાખ ખર્ચ કરાશે પરંતુ આ કામ ૯ માસના બદલે હવે ૬ માસ કરવા નિર્ણય કરાયો હતો. આ ઉપરાંત નિર્મળનગરમાં માધવરત્નથી ભાવુભાના ચોક સુધી રૂા. ૧૮.૧૧ લાખના ખર્ચે પેવર રોડ કરાશે, ભગવતી સર્કલથી સપ્તપદી હોલ સુધી રીકાર્પેટીંગ બીટુમેન પેવર રોડ રૂ. ૯૯.પર લાખના ખર્ચે બનાવવો સહિતના કામનો સમાવેશ થાય છે.
ઉપરાંત કેટલાક રહેણાંકીય હેતુથી લીઝપટ્ટાની મુદ્દત રીન્યુઅલ કરવી તેમજ રહેણાંકમાંથી કોમર્શિયલ ઉપયોગ ફેર કરી આપવાની મંજૂરી આપવામાં આવી હતી, જયારે સ્ટેટ કલીન એર પ્રોગ્રામ યોજના અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વસ્થ અને સ્વચ્છ હવા મળી રહે તે ધ્યાને લઇ કુલ રકમ રૂ. ૨૦ કરોડના વિવિધ કામો માટે સરકારમાં ગ્રાન્ટ મેળવવા તથા સ્પેશ્યલ આસિસ્ટન્સ ફોર કેપીટલ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ વર્ષ ૨૦૨૪-૨૫ અંતર્ગત વિવિધ કામો માટે રૂ. ૨૨.૭૫ કરોડની ગ્રાન્ટ સરકારની સૈધાંતીક મંજુરી મેળવવા માટે દરખાસ્ત કરવા મંજૂરી આપવામાં આવી છે. આ બેઠકમાં રહેણાંકીય લીઝપટ્ટા સહિતના જુદા જુદા કામના કુલ ર૮ ઠરાવ મંજૂર કરાયા હતાં.
સેક્રેટરી અને ચીફ ઓડીટર ભરતી માટે નિયમમાં ફેરફાર કરાયા
ભાવનગર મહાપાલિકાની સ્ટેન્ડીંગ કમિટિની બેઠકમાં એક ઠરાવ ચેરમેને અધ્યક્ષ સ્થાનેથી કર્યો હતો, જેમાં ભરતી-બઢતી નિયમ ર૦૧૬-ર૦ર૩ માં સેક્રેટરી અને ચીફ ઓડીટરની લાયકાત-અનુભવમાં જરૂરી ફેરફાર કરવામાં આવેલ છે. સેક્રેટરી વિભાગમાં અગાઉ અનુસ્નાતક, બીએમએ અને પ વર્ષનો અનુભવ માંગતા હતા, જયારે હવે સ્નાતક, વર્ગ-રની જગ્યામાં પ વર્ષનો અનુભવ રાખવામાં આવેલ છે. સેક્રેટરી વિભાગમાં બઢતી માટે હવે વહીવટી અધિકારીની પણ નિમણૂંક કરાશે. ચીફ ઓડીટર વિભાગમાં પ વર્ષના બદલે હવે ૭ વર્ષનો અનુભવ માન્ય રહેશે.
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામમાં 20 ટકા રકમ કાપી ચુંકવણુ કરવા નિર્ણય
શહેરના રૂવાપરી રોડ પર ઓપન ટેકનોલોજી આધારિત પ૦ એમએલડી ક્ષમતાનો નવો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામના કન્સલ્ટન્ટ સેપિયન્ટ ટેકનો કન્સલન્ટન્ટને વધારાની ફી રૂા. ૧૭,૦૮,પ૮પ રકમ ચુકવવાની તથા રૂા. ૧૭,૦૮,પ૮પ અને વહીવટી ચાર્જ સાથે કુલ ખર્ચની તથા આ ખર્ચ એસજેએમએમએસવીવાયની ગ્રાન્ટ હેેડે કરવાની મંજૂરી આપવા નિર્ણય કરવાનો હતો પરંતુ કોરોનાના સમયગાળાના કારણે ર૦ ટકા રકમ કાપી ચૂકવણું કરવા સ્ટેન્ડીંગમાં નિર્ણય કરવામાં આવેલ છે.
દેસાઈનગરથી નારી સુધી ફૂટ-ઓવર બ્રિજ બનાવવા તૈયારી
ભાવનગર શહેરમાં દેસાઈનગર પેટ્રોલપંપથી નારી ચોકડી સુધીના સીક્સલેન રોડ પર પશ્ચિમ ઝોનલ ઓફિસ પાસે ફૂટ-ઓવર બ્રીજ બનાવવા માટે મહાપાલિકાએ તૈયારી હાથ ધરી છે અને આ અંગે ફીસીબીલીટી રીપોર્ટ બનાવવા માટે એજન્સી નિમણૂક કરવા માટે સ્ટેન્ડીંગે બહાલી આપી હતી.