શહેરભરના ખખડધજ રસ્તાઓ રિપેર કરવામાં મનપાની આળસ
- શહેરના મોટાભાગના રોડમાં ખાડા છતાં રિપેરિંગમાં ગલ્લા-તલ્લાં
- ખરાબ રોડથી વાહન ચાલકો ત્રાહિમામ, રોડ વિભાગે તપાસ કરી તત્કાલ યોગ્ય પગલ લેવા લોકોની માંગણી
શહેરના કુંભારવાડા, ચિત્રા, ફુલસર, નારી, કાળીયાબીડ, સિદસર, ભરતનગર, ગાયત્રીનગર, અધેવાડા, હિલડ્રાઈવ, સુભાષનગર, કરચલીયા પરા, ખેડૂતવાસ સહિતના વિસ્તારમાં આવેલ ઘણા રોડમાં નાના-મોટા ખાડા જોવા મળી રહ્યા છે છતા મહાપાલિકાએ ખાડાઓ દેખાતા ન હોય તેમ રીપેરીંગ કામગીરી કરવામાં આવતી નથી. આ ઉપરાંત કમોસમી વરસાદના પગલે રોડ બિસ્માર થઈ ગયા છે ત્યારે વાહન ચાલકોની મૂશ્કેલી વધી છે અને વાહન ચાલકો કચવાટ કરી રહ્યા છે. ખરાબ રોડના પગલે અકસ્માતની ભીતિ રહેલી છે અને રોડ રીપેરીંગ કરવા જાગૃત નાગરીકોએ માંગણી પણ કરી છે પરંતુ મહાપાલિકાના રોડ વિભાગ દ્વારા યોગ્ય પગલા લેવામાં નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મહાપાલિકાના રોડ વિભાગે શહેરના તમામ વિસ્તારમાં કર્મચારીઓને મોકલીને તપાસ કરવી જરૂરી છે અને જે રોડમાં નાના-મોટા ખાડાઓ હોય તે રીપેરીંગ કરવા જરૂરી છે. કેટલાક રોડ ગેરેન્ટી પીડીયરવાળા પણ છે ત્યારે આ રોડ કોન્ટ્રાકટર પાસે રીપેરીંગ કરવા જોઈએ તેમ લોકોમુખે ચર્ચાય રહ્યુ છે. ખખડધજ રોડથી શહેરીજનો પરેશાન છે ત્યારે મહાપાલિકાએ તત્કાલ યોગ્ય પગલા લેવા જોઈએ પરંતુ મહાપાલિકા દ્વારા તત્કાલ રોડ રીપેરીંગ કરવામાં આવે છે કે નહીં ? તેની રાહ જોવી જ રહી.