ભાવનગરમાં ફાયર એનઓસીના મામલે 350 બિલ્ડીંગ ધારકને મહાપાલિકાએ નોટિસ ફટકારી
- ફાયર એનઓસી મામલે મહાપાલિકાની કાર્યવાહી યથાવત
- ફાયર એનઓસી નહિં લેતા 330 નવા બિલ્ડીંગ ધારકને નોટિસ અપાઈ, 20 જેટલા બિલ્ડીંગ ધારકને ફાયર એનઓસી રીન્યુ કરાવવા નોટિસ અપાતા ફફડાટ
રાજ્ય સરકારના નિયમ મુજબ ભાવનગર સહિત રાજ્યભરમાં નવા અને જુના બિલ્ડીંગ ધારકોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ (ફાયર એનઓસી) લેવુ ફરજીયાત છે, જેના પગલે ભાવનગર શહેરમાં છેલ્લા ૬ વર્ષમાં ૧૩૪૭ બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવ્યુ છે પરંતુ હજુ કેટલાક બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી નથી મેળવ્યુ ? તેના માટે મહાપાલિકાના ફાયર વિભાગની ટીમે સર્વે શરૂ કર્યો છે. આ સર્વે દરમિયાન ફાયર એનઓસીના મામલે ૩પ૦ બિલ્ડીંગ ધારકને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં ફાયર એનઓસી નહિં લેતા ૩૩૦ નવા બિલ્ડીંગ ધારકને નોટિસ અપાઈ છે, જયારે ર૦ જેટલા બિલ્ડીંગ ધારકને ફાયર એનઓસી રીન્યુ કરાવવા નોટિસ અપાઈ છે.
ઉલ્લેખનીય છે કે, ભાવનગર શહેરમાં ઘણી બિલ્ડીંગો આવેલ છે અને બિલ્ડીંગમાં આગ અકસ્માતનો બનાવ બને તો ફાયર સીસ્ટમના ઉપયોગથી આગને કાબુમાં લઈ શકાય અને લોકોના જીવ બચી શકે તે માટે દરેક બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી મેળવવુ ફરજીયાત હોય છે. ઘણા બિલ્ડીંગ ધારકો ફાયર એનઓસી લેતા નથી તેથી મહાપાલિકા નોટિસ આપે છે અને ત્યારબાદ પણ પગલા લેવામાં ન આવે તો બિલ્ડીંગને સીલ મારવાની કાર્યવાહી કરાય છે, જયારે રહેણાંકી બિલ્ડીંગ હોય તો નળ-ગટર કાપવામાં આવતા હોય છે તેમ માહિતી આપતા ચીફ ફાયર ઓફીસરે જણાવેલ છે.
ફાયર એનઓસીના મામલે હજુ અઢી માસ સર્વે કામગીરી ચાલશે
ભાવનગર શહેરમાં ફાયર એનઓસીના મામલે મહાપાલિકાના ફાયર વિભાગે સર્વે શરૂ કર્યો છે, જેમાં જે બિલ્ડીંગ ધારકે ફાયર એનઓસી ન મેળવ્યુ હોય અથવા ફાયર એનઓસી રીન્યુ ન કરાવ્યુ હોય તેને નોટિસ આપવામાં આવે છે. આ સર્વે આશરે અઢી માસ સુધી ચાલશે. નોટિસ આપ્યા બાદ ફાયર એનઓસી લેવામાં નહિં આવે તો કડક પગલા લેવામાં આવશે તેમ ચીફ ફાયર ઓફીસર પી.આર.જાડેજાએ વિગત આપતા જણાવ્યુ હતું.