Get The App

મનપાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સહિતના મામલે 160 આસામીને રૂા. 43 હજારનોે દંડ ફટકાર્યો

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
મનપાએ પ્રતિબંધિત પ્લાસ્ટિક સહિતના મામલે 160 આસામીને રૂા. 43 હજારનોે દંડ ફટકાર્યો 1 - image


ડસ્ટબીન નહીં હોવાથી 61, ગંદકી કરવાના મામલે 78 આસામી પાસેથી દંડ વસૂલાયો 

પખવાડીક ઝુંબેશ અભિયાન હેઠળ શહેરમાં સફાઈ કરી 155 કિલોગ્રામ પ્લાસ્ટિકના કચરાનો નિકાલ કરાયો

ભાવનગર: ભાવનગર મહાપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આજે પખવાડીક ઝુંબેશ અભિયાન હેઠળ સફાઈ કામગીરી કરી હતી અને ડસ્ટબીન, ગંદકી, પ્રતિબંધિત પ્લાસ્ટીકના મામલે ૧૬૦ આસામી પાસેથી કુલ રૂા. ૪૩ હજારથી વધુનો દંડ વસૂલ્યો હતો. 

'વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ અંતર્ગત વિશ્વભરમાં પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત'વિષય આધારિત પખવાડીક ઝુંબેશ અભિયાન શરૂ કરાયું છે જે અન્વયે પ્લાસ્ટિક કચરાના નિકાલ માટે પ્લોગિંગ ડ્રાઇવ એન્ડ પ્લાસ્ટિક ખુલ્લામાં ન નાંખવા તેમજ લેન્ડફીલ સાઇટ પર જતું અટકાવવા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આજે કામગીરી હાથ ધરી હતી. આ અભિયાન અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે શહેરના જુદા જુદા સ્થળોએ ચકાસણી કરતા ડસ્ટબીન ન રાખનાર ૬૧ આસામીને દંડીત કરીને તેઓની પાસેથી કુલ રૂા.૧૨,૧૫૦ તથા જાહેરમાં ગંદકી કરવા સબબ ૭૮ આસામીને દંડીત કરીને કુલ રૂા. ૨૨,૪૦૦નો દંડ વસૂલ્યો હતો, જયારે પ્રતિબંધીત પ્લાસ્ટિક રાખનાર ૨૧ આસામીને દંડીત કરીને કુલ રૂા. ૯,૩૦૦દંડ વસૂલીને અંદાજીત ૧૬.૨ કિલોગ્રામ પ્રતિબંધીત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યુ હતું. આમ કુલ ૧૬૦ આસામીઓ પાસેથી કુલ રૂા. ૪૩,૮૫૦ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. 

ઉપરાંત શહેરના કલ્યાણ નગર આવાસ યોજના પાસે ફુલસર, રામાપીર મંદિર-કુંભારવાડા, બોડિયા મહાદેવ મંદિર પાસે, લીમડી વાળી સડક વેજીટેબલ માર્કેટ, બોરડી ગેટ, વિટકોસ બસ સ્ટેન્ડ, જોગર્સ પાર્ક -૩ જવાહર મેદાન પાસે, સરદાર બાગ ગાર્ડન, મહારાજા તખ્તેશ્વર હોલ થાપનાથ મહાદેવ મંદિર બોરતળાવ, મેલડી માતાનું મંદિર, પ્રભારામ ચોક સિંધુનગર, સરદારનગર સર્કલ, શિવાજી સર્કલ મ્યુ. કોમ્પ્લેક્સ એન્ડ જોગર્સ પાર્ક ખાતે જનભાગીદારીથી પ્લાસ્ટિક કચરાના નિકાલ માટેની પ્લોગીંગ ડ્રાઇવ હાથ ધરાઈ હતી, જેમાં કુલ ૪૦૭ સફાઇ કામદારો અને ૨૮૧ શહેરીજનો જોડાયા હતા અને અંદાજીત કુલ ૧૫૫ કિલોગ્રામ પ્લાસ્ટિક કચરો એકત્ર કરીને તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. 

Tags :