Gujarat

નડિયાદના મંજીપુરામાં કોમન પ્લોટમાંથી દબાણ દૂર કરવામાં મનપાના ઠાગાઠૈયા

By GS TEAM
17 Jun 20251 min read
નડિયાદના મંજીપુરામાં કોમન પ્લોટમાંથી દબાણ દૂર કરવામાં મનપાના ઠાગાઠૈયા

- સોસાયટીના રહીશોની સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ બાદ

- તંત્ર રસ્તા ઉપરનું બાંધકામ દૂર કરવાના બદલે દબાણકર્તાને છાવરતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

નડિયાદ : નડિયાદ મંજીપુરા ચોકડી નજીક સંકલ્પ એક્સઝોટિકાના કોમન પ્લોટમાં ગેરકાયદે બાંધકામ દૂર કરવા સ્થાનિક રહીશોએ મુખ્યમંત્રીને ઓનલાઇન ફરિયાદ કરી હતી. બાદમાં સૂચના બાદ મહાનગરપાલિકા દ્વારા માત્ર મામલતદારને દબાણો દૂર કરવા કાર્યવાહી કરવા અને નોટિસ આપી સંતોષ મનાયો હોવાનો આક્ષેપ કરાયો છે. 

નડિયાદ મંજીપુરા એક્ઝોટિકા સોસાયટીમાં રહેતા મહાદેવભાઇ ગુરુનાની તેમજ સોસાયટીના રહીશોએ જાગૃતીબેન બાવટીયાએ સોસાયટીની માર્જીનની જગ્યામાં રસ્તામાં તથા કોમનપ્લોટની જગ્યામાં ગેરકાયદેસર બાંધકામ કરી દબાણ દૂર કરવા મુખ્યમંત્રીના ઓનલાઈન સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરી હતી. 

જેથી મનપાના કમિશનરને દબાણ દૂર કરવા કાર્યવાહી કરવા સૂચના આપી હતી.  જેના પગલે મહાનગરપાલિકા દ્વારા તા.૧૭/૫/૨૫થી મામલતદાર ગ્રામ્યને મંજીપુરામાં સોસાયટીમાં કરેલું દબાણ દિન સાતમાં દૂર કરવા કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેને એક માસ જેટલો સમય થવા છતાં હજુ સુધી સોસાયટીના કોમન પ્લોટમાં તેમજ રસ્તામાં દબાણ દૂર કરવામાં આવેલું નથી. 

આમ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવવાને બદલે માત્ર નોટિસ આપી સંતોષ માનવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે સત્વરે દબાણો દૂર કરાય તેવી સોસાયટીના રહીશોની માંગણી ઉઠી છે.