Get The App

મનપાએ 1 વર્ષમાં 1872 ઢોર પકડયા, છતાં માર્ગ પર ત્રાસ યથાવત્

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
મનપાએ 1 વર્ષમાં 1872 ઢોર પકડયા, છતાં માર્ગ પર ત્રાસ યથાવત્ 1 - image

સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોને જીવનું જોખમ

કરોડોનો ખર્ચ અને હજારો પશુઓ પકડાયા હોવાના આંકડા છતાં પ્રજા ત્રસ્ત ઃ કાયમી ઉકેલની માંગ

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં રખડતા ઢોરની સમસ્યા દિન-પ્રતિદિન વિકરાળ બની રહી છે. મહાનગરપાલિકાના સત્તાવાર આંકડા મુજબ, ગત ૧ જાન્યુઆરી ૨૦૨૫થી ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધીના એક વર્ષના ગાળામાં તંત્ર દ્વારા કુલ ૧૮૭૨ રખડતા ઢોરને પકડવામાં આવ્યા છે.

 

મનપાના રખડતા ઢોર નિયંત્રણ વિભાગના જણાવ્યા અનુસાર, એક પશુને પકડવા પાછળ અંદાજે રૃ.૧૨૦૦નો ખર્ચ કરવામાં આવ્યો છે. આ આશ્રિત પશુઓ પાછળ પશુ દીઠ માસિક અંદાજે રૃ.૧૪૫૦ થી વધુનો નિભાવ ખર્ચ સરકારી તિજોરીમાંથી કરવામાં આવી રહ્યો છે. આમ, કાગળ પર મનપા લાખો રૃપિયાનો ખર્ચ કરી રહી છે, સરકારી ચોપડે હજારો ઢોર પકડાયા હોવા છતાં શહેરના મુખ્ય માર્ગોેની સ્થિતિ બદલાઈ નથી. વઢવાણ ૮૦ ફૂટ રોડ, રતનપર રામેશ્વર મંદિર, બસ સ્ટેન્ડ રોડ, જોરાવરનગર અને નાની શાકમાર્કેટ જેવા ધમધમતા વિસ્તારોમાં પશુઓ રસ્તાની વચ્ચે જ અડિંગો જમાવીને બેઠા હોય છે. રખડતા ઢોરના યુદ્ધમાં અગાઉ ૩ થી ૪ નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને અનેક લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે.

 

શહેર સજ્જડ બંધ પાળી પ્રદર્શનો થયા, બેઠકો યોજાઇ પણ પરિણામ શૂન્ય

અગાઉ રાજસ્થાનની ખાનગી કંપનીને અપાયેલો કોન્ટ્રાક્ટ નિષ્ફળ રહ્યો હતો અને મનપા બન્યા પછી યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકોનું પણ કોઈ નક્કર પરિણામ દેખાતું નથી. આ સમસ્યા એટલી ગંભીર છે કે વર્ષોે પહેલા શહેર સજ્જડ બંધ પાળીને વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. છતાં પણ તંત્રની ઢીલી નીતિને કારણે આજે પણ વૃદ્ધો, બાળકો અને વાહનચાલકો રસ્તા પરથી પસાર થતા ડર અનુભવી રહ્યા છે.

 

મનપાએ પકડેલા ઢોરની આંકડાકિય માહિતી

વિગત  આંકડાકીય માહિતી

કુલ પકડાયેલા ઢોર (વર્ષ ૨૦૨૫)       ૧,૮૭૨ પશુઓ

પાંજરાપોળમાં મોકલાયેલા ઢોર  ૧,૨૬૦ પશુઓ

હાલ મનપાના ઢોરવાડામાં રહેલા ઢોર   ૬૧૨ પશુઓ

નિભાવ ખર્ચ (પશુ દીઠ) રૃ.૧,૪૫૦થી વધુ

પકડવાનો ખર્ચ (પશુ દીઠ)      અંદાજે રૃ.૧,૨૦૦