Get The App

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે

કૂતરાં કરડવાના બનાવવાળા સ્થળોનું વોર્ડ વાઈસ લિસ્ટ બનાવાશે,બિમાર કૂતરાંની સારવાર માટે માત્ર ૫૦ નો જ સ્ટાફ

Updated: Aug 29th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ લાખનો પગાર મેળવતા અધિકારીઓ રખડતા કૂતરાં પકડવાની કામગીરી કરાવશે 1 - image


અમદાવાદ,ગુરુવાર,28 ઓગસ્ટ,2025

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રુપિયા ત્રણ લાખનો પગાર મેળવતા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને શહેરના વિવિધ રોડ ઉપર રખડતા કૂતરાં પકડી તેનું ખસીકરણ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.આ ઉપરાંત આસીસ્ટન્ટ મેનેજર સહીત કુલ ૧૧ લોકોની કમ્પલેઈન રીડ્રેસલ સેલ કમિટી બનાવાશે,જે રખડતા કૂતરાં કરડવાના બનાવોવાળા સ્થળોનુ વોર્ડ વાઈસ લિસ્ટ બનાવી ડોગ બાઈટના કેસ અટકાવવાની કામગીરી કરાવશે.શહેરની ૭૦ લાખની વસ્તી સામે કોર્પોરેશન પાસે બિમાર કૂતરાંની સારવાર માટે પટાવાળાથી લઈ વેટરનરી ડોકટર સાથે માત્ર ૫૦નો સ્ટાફ હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

અમદાવાદમાં બે લાખ જેટલા રખડતા કૂતરાં છે. આ પૈકી ૧.૫૦ લાખ રખડતા કૂતરાંનુ ખસીકરણ થઈ ગયુ હોવાનો કોર્પોરેશન તરફથી દાવો કરવામાં આવી રહયો છે.બીજી તરફ એનિમલ બર્થ કંટ્રોલ રુલ્સ અને સુપ્રિમ કોર્ટે ૨૨ ઓગસ્ટ-૨૫ના રોજ કરેલા હુકમને પગલે કોર્પોરેશને  સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજરનો અમલ કરવા નિર્ણય કર્યો છે.જેને પગલે કોર્પોરેશનમાં ફરજ બજાવતા ૨૦થી વધુ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોને શહેરમાં બાકી રહી ગયેલા રખડતા કૂતરાં પકડાવી તેનુ ખસીકરણ કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. શહેરમાં સો ટકા રખડતા કૂતરાંનું ખસીકરણ એજન્સીઓ મારફતે કરાવવુ પડશે.આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે તેમના વોર્ડમાં નિયમિત રાઉન્ડ લેવો પડશે.રાઉન્ડ દરમિયાન ફીમેલ ડોગના કાન કપાયેલા ના હોય, ખસીકરણ થયેલુ ના હોય તેવા કૂતરાં જોવા મળે તો આવા કૂતરાંની ગુગલ ઈમેજ તથા લેન્ડમાર્ક સાથેના ફોટા એએમસીની એપ્સ-૩૧૧ ઉપર અપલોડ કરવાના રહેશે.વર્ષ-૨૦૧૯માં  ૨૩થી વધુ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરોની ભરતી કરવામાં આવી હતી.પહેલી વખત રખડતાં કૂતરાં પકડીને તેનુ ખસીકરણ કરવાની જવાબદારી સોંપાતા રખડતા ગણગણાટ સાંભળવા મળી રહયો છે.

કમ્પલેઈન રીડ્રેસલ કમિટીમાં કોણ-કોણ હશે?

નામ                                  હોદ્દો

આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર        ચેરમેન

આસિસ્ટન્ટ મેનેજર                      સભ્ય સચિવ

પી.એચ.એસ.                            સભ્ય

વોર્ડના કોર્પોરેટર                       સભ્ય

હેલ્થ સ્ટાફ                              સભ્ય

વેટરનરી સ્ટાફ                          સભ્ય

પોલીસના પ્રતિનિધિ                     સભ્ય

એન.જી.ઓ.પ્રતિનિધિ                     સભ્ય

પશુપાલન પ્રતિનિધિ                    સભ્ય

ફરિયાદી                                સભ્ય

એપાર્ટમેન્ટ,સોસાયટી પ્રતિનિધિ          સભ્ય

 

 

Tags :