પાલિકા કમિશ્નરની સતર્કતાના પરિણામે પાલિકાના પૂર્વ પદાધિકારીનું સેટીંગ ખોરવાયું
સુરત પાલિકાના પૂર્વ પદાધિકારી અને હાલના કોર્પોરેટરે પુણા વિસ્તારમાં બિલ્ડરને ફાયદો થાય તે માટે વિવાદિત રિઝર્વેશન વાળી જગ્યા પર જ 50 બેડની હોસ્પિટલ બનાવવા ભારે ધમપછાડા કર્યા હતા. જોકે, મ્યુનિ. કમિશ્નરને ગંધ આવી જતા તેઓએ રજૂઆત કરવા આવનારાને આ પ્લોટ પર હોસ્પિટલ નહી બને તેવી વાત કરી દીધી હતી. આગામી સ્થાયી સમિતિ સમક્ષ પુણાની હોસ્પિટલ માટે દરખાસ્ત રજુ કરવામાં આવી છે. જેમાં ભવિષ્ય ના આયોજન માટે 30 મીટરના રોડ બદલે 60 મીટરના રોડ પર બીઆરટીએસ રુટ નજીક હોસ્પિટલ બાવવાનો ઉલ્લેખ કર્યો છે. આ દરખાસ્ત સાથે જ ભાજપના વેપારી બની ગયેલા કોર્પોરેટર અને વોર્ડના હોદ્દેદારોનું સેટીંગ ખોરવાઈ ગયું છે.
સુરત પાલિકાના વરાછા ઝોનના પુણા વિસ્તારમાં વોર્ડ નંબર 17માં ટીપી સ્કીમ નંબર 60 અને ફાઈનલ પ્લોટ નંબર 45માં 50 બેડની હોસ્પિટલ માટે આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ 30 મીટરનો છે અને ભવિષ્યમાં હોસ્પિટલના વિસ્તરણ માટે જગ્યા યોગ્ય નથી તેવું પાલિકા તંત્રને ધ્યાને આવ્યું હતું જેથી ટીએસસીમાં જ જગ્યા બદલવા માટે વિચારણા થઈ હતી. જોકે, આ અંગે પાલિકાના સેટીંગ બાજ કોર્પોરેટરને ખબર પડતા તેઓએ બિલ્ડરની બ્રિફ લઈને વિવાદિત અનામત પ્લોટ છે તે જગ્યાએ જ હોસ્પિટલ બનાવવા ભારે ધમપછાડા કર્યા હતા. તેમનો ગજ ન વાગતા તેઓએ વોર્ડના હોદ્દેદારોનો ઉપયોગ કર્યો હતો અને આ હોસ્પિટલ ખસેડે તો ભાજપને નુકસાન થશે તેવો ભય પાલિકાના પદાધિકારીઓ સામે વ્યક્ત કર્યો હતો.
જોકે, આ હોસ્પિટલનું સ્થળ જે નક્કી છે તેનાથી 500થી 700 મીટર દૂર આવેલા બીઆરટીએસ રુટ નજીક 60 મીટર ના રોડ પર બનાવે તો ભવિષ્યમાં હોસ્પિટલના માળ વધારવા કે વિસ્તરણ કરવા સરળતા રહે તે માટે આયોજન કર્યું હતું. પરંતુ આ અંગેની જાણ થતા સેટીંગ બાજ કોર્પોરેટરે ભારે ધમપછાડા કરી વોર્ડના હોદ્દેદારો પાસે પ્રેશર ઊભું કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ વાત શાસકોને ધ્યાને આવતાં શાસકો પણ તંત્ર સાથે હોસ્પિટલની જગ્યા બદલે તે માટેનો અભિગમ અપનાવ્યો હતો.
જેના કારણે હવે પુણા ખાતેની 50 બેડની હોસ્પિટલ ટીપી સ્કીમ નંબર 60 પ્લોટ નંબર 45માં નહી પરંતુ 60 મીટર ના રોડ પર આવેલા બીઆરટીએસ રુટ નજીકના પુણા બ્લોક નં. 174+175+176/2/2 પૈકીની કોન્ટ્રીબ્યુશન ઓફ લેન્ડની જગ્યામાં બનાવવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ દરખાસ્ત સાથે જ ભાજપના કોર્પોરેટરનું સેટીંગ ખોરવાઈ ગયું છે.
હાલ સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજુ કરવામા આવી છે તેમાં ટેન્ડર પ્રક્રિયામાં ત્રણ ઈજારદારો પૈકી એ.એલ. પટેલ દ્વારા સૌથી ઓછી 9.21 કરોડ રૂપિયાના ખર્ચે હોસ્પિટલ બનાવવા માટેની તૈયારી બતાવી છે અને હવે બિલ્ડરને લાભ થાય તેના બદલે લોકોને ભવિષ્યમાં ફાયદો થાય તેવી જગ્યાએ હોસ્પિટલ બનશે તે નક્કી થઈ ગયું છે.