વિરાટનગરની આગને લઈ મ્યુનિ.કમિશનરે ઉધડો લીધો, તમે ચીફ ફાયર ઓફિસર છો, છતાં આગના સ્થળે મોડા કેમ પહોંચ્યાં

અમદાવાદ,બુધવાર,3
ડિસેમ્બર,2025
અમદાવાદના વિરાટનગરમા આવેલા વ્રજેશ્વરી કોમ્પલેકસની ૧૮
દુકાનો મંગળવારે આગમાં ખાખ થઈ હતી.આગની આ ઘટના પછી બુધવારે મ્યુનિસિપલ કમિશનર
બંછાનિધિ પાનીએ ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેનો ઉધડો લેતા કહયુ, આટલી મોટી આગની
ઘટના બની તેમ છતાં તમે આગના સ્થળે બે કલાક પછી કેમ પહોંચ્યા.ચીફ ફાયર ઓફિસર તરીકે
તમારી પહેલી ફરજ આગના કોલને એટેન્ડ કરવાની છે.નહીં કે ઈન્ટરવ્યૂ લેવાની.સમગ્ર
શહેરમાં જવલનશીલ પદાર્થ રખાતા હોય એવા એકમોનો પંદર દિવસમાં સર્વે કરી આવા એકમોને
સીલ કરવા પણ તેમણે તાકીદ કરી હતી.અમદાવાદમાં આગ જેવી ઘટનાઓ બનશે તો તેની જવાબદારી
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની રહેશે તેમ કહેવુ પડયુ હતુ.
વિરાટનગરમાં બનેલી આગની ઘટનાને લઈ કમિશનરે ફાયર, એસ્ટેટ વિભાગ
સહીત તમામ વિભાગના અધિકારીઓને સ્પષ્ટ કહયુ કે, માનવીય જિંદગી સાથે કોઈપણ પ્રકારના ચેડાં ચલાવી લેવાશે
નહીં.આગની ઘટના બની એ સમયે ચીફ ફાયર ઓફિસર ફાયર વિભાગ માટે રાખવામા આવેલા
ઈન્ટરવ્યૂમા વ્યસ્ત હતા. કમિશનરે આ બાબતને લઈ તેમને ટકોર કરતા કહયુ, તમે ઈન્ટરવ્યૂ
પ્રક્રીયા પડતી મુકી આગના સ્થળે પહોંચી શકયા હોત.પરંતુ તમે તેમ કર્યુ નથી.શહેરમાં
આવેલ હોસ્પિટલ સહિતના અન્ય બિલ્ડિંગોમાં બી.યુ.પરમીશન અને ફાયર એન.ઓ.સી.ને લઈને
શું કાર્યવાહી કરી એવો સવાલ તમામ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને કરતા ઝોનના
ડેપ્યુટીએસ્ટેટ ઓફિસરો તરફથી કહેવાયુ કે,
બી.યુ.વગરના બિલ્ડિંગોમાં તો કાર્યવાહી કરાઈ રહી છે. ફાયર વિભાગની ખબર નથી.
કમિશનરે ફરી ચીફ ફાયર ઓફિસરને આ બાબતમાં પુછતાં ચીફ ફાયર ઓફિસરે કહયુ, અમે નોટિસ આપી
છે.આ તબકકે કમિશનરને કહેવુ પડયુ હતુ કે,
શું માનવ જિંદગી જશે પછી સીલ કરશો.
શહેરમાં આડેધડ કરાતા વાહન પાર્કિંગને લઈ હેવી પેનલ્ટી કરો
અમદાવાદમાં દિન પ્રતિદિન વધતી જતી ટ્રાફિક અને વાહન
પાર્કિંગની સમસ્યાને લઈ મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિરાંત
પરીખને પુછયુ, શહેરમાં
પે એન્ડ પાર્ક કેટલા સ્થળે ચાલે છે,
ડેપ્યુટી કમિશનરે કહયુ,
૫૬. કમિશનરે બીજો સવાલ કરતા પુછયુ,
શહેરમાં નદી ઉપરના બ્રિજ,
ફલાયઓવરબ્રિજ, રેલવે
બ્રિજ મળીને કુલ કેટલા બ્રિજ અને અંડરપાસ છે.તેના જવાબમાં તેમણે કહયુ, ૯૯.આ જવાબ સાંભળી
કમિશનર અકળાયા હતા.તેમણે ડેપ્યુટી કમિશનરને કહયુ, તપાસ કરો.કયા -કયા બ્રિજ કે ફલાયઓવરબ્રિજ નીચેની જગ્યામા
વાહન ચાલકો મફતમાં વાહન પાર્ક કરી રહયા છે.જે લોકો આ રીતે વાહન પાર્ક કરતા હોય
તેમની પાસેથી હેવી પેનલ્ટી વસૂલ કરો. એક પણ રોડ ઉપર આડેધડ વાહન પાર્ક થયેલુ હોવુ
જોઈએ નહીં.
એકપણ ગટરના ઢાંકણાં ખુલ્લા હોવા ના જોઈએ
શહેરના ઘણા બધા વિસ્તારમા રોડ ઉપર આવેલી ગટરના ઢાંકણા
ખુલ્લી હાલતમાં જોવા મળે છે. કમિશનરે તમામ ઝોનના અધિકારીઓને કડક તાકીદ કરતા કહયુ, એક પણ ગટરના
ઢાંકણા ખુલ્લા હોવા ના જોઈએ.ગટરના ખુલ્લા ઢાંકણાના કારણે જો કોઈ ગંભીર દુર્ઘટના
બનશે તો પોલીસ ફરિયાદ કરાશે.








