AMC Corruption News : અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ રુપિયા 235 કરોડના ટેન્ડર દ્વારા થનારા ભ્રષ્ટાચારને અટકાવી દીધો છે. કમિશનર સમક્ષ મંજૂરી માટે મુકાયેલા બંને ટેન્ડરની ફાઈલ બગીચા ખાતા તરફ પરત કરાઈ હોવાનુ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
ગાર્ડન વિભાગના ડિરેકટર અમરીશ પટેલે કહ્યું કે ટ્રેકટર, ટ્રોલીના ટેન્ડરમાં કમિશનર ઓફિસ દ્વારા કવેરી કાઢવામા આવતા ફાઈલ પરત કરાઈ છે. લેબર સપ્લાયના ટેન્ડરની ફાઈલ મંજૂરી માટે મુકવાની છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું, આ કામને મંજૂરી નહીં અપાય.
235.70 કરોડના ટ્રેકટર,ટ્રોલી અને લેબર સપ્લાયના ટેન્ડરમાં ચોકકસ એજન્સીને કામગીરી આપી શકાય એ માટે ટેન્ડરમાં ભારે ગોટાળા કરાયા હોવાની લેખિત ફરિયાદ કોન્ટ્રાકટરોએ મ્યુનિસિપલ કમિશનરને લેખિતમાં કરી હતી. જે પછી કમિશનર ફાઈલ મંજૂર કરતા નહીં હોવાથી રાજકીય દબાણ શરુ કરવામા આવ્યુ હતુ.
શુક્રવારે બનેલા ઝડપથી ઘટનાક્રમમા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને રીક્રિએશન કમિટીના ચેરમેન ઉપરાંત બગીચા વિભાગ સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ ડીરેકટર પાર્કસ એન્ડ ગાર્ડન સાથે અલગ અલગ બેઠકો કરવી પડી હતી. કોર્પોરેશનના બગીચા ખાતા દ્વારા અગાઉ 69 કરોડના બદલે 40 લાખ રોપાં-વૃક્ષો વાવવા રુપિયા 135 કરોડના ખર્ચને મંજૂર કરવાની ફાઈલ ઉપર પણ મ્યુનિ.કમિશનરે હજુ મંજૂરી આપી નથી.
20 લાખ રોપાના 30 કરોડના ખર્ચે ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટેનુ ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીના નિર્ણય પછી રદ કરવામાં આવ્યુ હતુ.ટર્મ પુરી થાય એ પહેલા કરોડો રુપિયાના કામ મંજૂર કરાવવાની પેરવી ઉપર કમિશનરે બ્રેક મારી દીધી છે.


