Gujarat

કામગીરીમાં નિષ્કાળજી મામલે મ્યુ. કમિશનરે 10 એન્જિનિયરોને નોટિસ ફટકારી

By GS TEAM
2 Jul 20252 mins read
કામગીરીમાં નિષ્કાળજી મામલે મ્યુ. કમિશનરે 10 એન્જિનિયરોને નોટિસ ફટકારી

વડોદરા શહેરમાં ઠેર ઠેર પાણી ,ડ્રેનેજ સહિતની કામગીરી માટે રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. તેમાય વરસાદ વરસતા અનેક રસ્તા ઉબડખાબડ બનતા લોકો પરેશાન છે. જેથી તકેદારીના ભાગરૂપે જરૂરિયાત સ્થળે બેરીકેડ કરવા તથા ખાડાની ફરિયાદોનો ત્વરિત ઉકેલ લાવવાની સૂચનાને અવગણી નિષ્કાળજી દાખવનાર 10 એન્જિનિયરોને મ્યુ. કમિશનરે નોટિસ ફટકારતા અન્ય અધિકારીઓમાં ફફડાટ જોવા મળ્યો છે.

વરસાદ વરસતા જ શહેરમાં અનેક માર્ગો ઉબડખાબડ બન્યા છે. આવા માર્ગો પર સમયસર પેચવર્ક ન થતા શહેરીજનો તેનો ભોગ બને છે. તાજેતરમાં ખાડાના કારણે એક રીક્ષા ચાલકે જીવ ગુમાવ્યો હતો. હાલ અનેક સ્થળોએ રસ્તા ઉપર ખાડા પડ્યા છે. તેમજ ઘણા સ્થળોએ પાણી - ડ્રેનેજ સહિતની કામગીરીના કારણે રસ્તાઓ ખોદી નાખ્યા છે. અગાઉ કોર્પોરેશનની સામાન્ય સભામાં કોર્પોરેટરો દ્વારા અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. જેથી કેટલાક કામોની ગુણવત્તાની સમીક્ષા ખુદ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ કરી હતી. અને જીપીએસ ટેકનોલોજીનો ઉપયોગ કરી ફાયર બ્રિગેડને ખાડાઓ શોધવા માટેની કામગીરી સોંપી હતી. તેમજ સીસીટીવીના આધારે મળેલ ફરિયાદોનો ત્વરિત ઉકેલ લાવવા અધિકારીઓને સૂચના આપી હતી. તેમ છતાં  કામગીરીમાં બેદરકારી દાખવતા અધિકારીઓ સામે કમિશનરે લાલઆંખ કરી નોટિસો ફટકારતા અન્ય અધિકારીઓમાં સોંપો પડી જવા પામ્યો છે.


"ખાડા તો વરસાદ પડે તો હોય જ" તેવા મહિલા કાઉન્સિલરના નિવેદનથી વિવાદ

વોર્ડ નં. 9ના મહિલા કાઉન્સિલર આજે વિસ્તારના કામ માટે મ્યુનિસિપલ કમિશનરને મળવા પહોંચ્યા હતા. આ દરમ્યાન મીડિયા સમક્ષ તેમનું કહેવું હતું કે, પાણી લાઇનની કામગીરી અંગેની મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે, ખાડા તો વરસાદ પડે એટલે હોય જ, અમે અને અધિકારી તેનો ઉકેલ લાવવા કામ કરીએ છીએ.

કામગીરીમાં નિષ્કાળજી દાખવનાર આ 10 એન્જિનિયરોને નોટિસો આપી


1) ભાર્ગવભાઇ પંડીત ==  ઇવા મોલ ચાર રસ્તા ખાતે વરસાદી ગટરનાં ક્રોસિંગનું રીસ્ટોરેશન યોગ્ય ન કર્યું

2)ચિરાગ પટેલ ====ઇવા મોલ ચાર રસ્તા ખાતે વરસાદી ગટરનાં ક્રોસિંગનું રીસ્ટોરેશન યોગ્ય ન કર્યું

3) ચિરાગ પટેલ ==== તુલસીધામ ચાર રસ્તા ખાતે વરસાદી ગટરની કેચ પીટનું રીસ્ટોરેશન યોગ્ય ન કર્યું

4) નૈશધ શાહ   ===== માળી મહોલ્લાના રસ્તાના ખાડાઓનું યોગ્ય રીસ્ટોરેશન કે પેચવર્ક ન કર્યું

5) પાર્થગીર ગોસ્વામી ==== વેમાલીમાં રસ્તાના ખાડાઓનું રીસ્ટોરેશન , પેચવર્ક  તથા વરસાદી પાણીના નિકાલની કામગીરી ન કરી

6) હેમંત મિસ્ત્રી ==== આજવા રોડ, લેપ્રેસી ગ્રાઉન્ડ , ગધેડા માર્કેટ , યાકુતપુરા રોડના  ખાડાઓની ફરીયાદોનો સમયસર નિકાલ ન કર્યો

7) વિવેક પટેલ ===== વ્હિકલ પુલ , પટેલ ફળીયાના રસ્તા પરના ખાડા અંગેની ફરીયાદોનો સમયસર નિકાલ ન કર્યો

8) મૌલેશ ચૌહાણ ===== સ્વામીનારાયણ મંદિર વાડી પાસે રસ્તાના ખાડા અંગેની ફરીયાદનો સમયસર નિકાલ ન કર્યો

9) કૃણાલ શાહ ==== તરસાલી - સોમા તળાવ રીંગ રોડ પર વરસાદી ગટરની કામે યોગ્ય બેરીકેડ ન કરવા બાબત

10) રામજી રબારી ==== ખાડા અંગેની ફરીયાદોનો સમયસર નિકાલ ન કર્યો

11) પ્રાચી તંબોળી === ખાડા અંગેની ફરીયાદોનો સમયસર નિકાલ ન કર્યો