Get The App

બ્રિજ વિભાગના અધિકારીઓ ઉપર મ્યુ.કમિશનર ખફા, તમારા અણઘડ આયોજનના કારણે અમદાવાદના લોકો હેરાન -પરેશાન

સુભાષબ્રિજ બંધ કર્યો પછી શાહીબાગ અંડરપાસ,જરા તો વિચારો કે શહેરીજનોને બંધ રોડને કારણે કેટલી તકલીફ છે

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
બ્રિજ વિભાગના અધિકારીઓ ઉપર મ્યુ.કમિશનર ખફા, તમારા અણઘડ આયોજનના કારણે અમદાવાદના લોકો હેરાન -પરેશાન 1 - image

અમદાવાદ,ગુરુવાર,1 જાન્યુ,2026

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિપાની બ્રિજ વિભાગના અધિકારીઓ ઉપર ખફા જોવા મળ્યા હતા. અધિકારીઓ સાથેની વીકલી રીવ્યુ બેઠકમાં બ્રિજ વિભાગના એડીશનલ ઈજનેરને તેમણે કહયુ, તમારા અણઘડ આયોજનના કારણે અમદાવાદના લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. સુભાષબ્રિજ બંધ કર્યા પછી શાહીબાગ અંડરપાસ બંધ કરાયો.જરા તો વિચારો કે શહેરીજનોને બંધ રોડના કારણે કેટલી તકલીફ પડી રહી છે. આ મુદ્દે ડેપ્યુટી કમિશનર કંઈક કહેવા જતા કમિશનરે તેમને અટકાવીને કહયુ,દલીલ ના કરતા કોઈપણ નિર્ણય લેતા પહેલા ચોકકસ પ્લાનીંગ કરી લોકો સમક્ષ મુકો તો લોકોની  હેરાનગતિ પણ ઓછી થાય.

નવા વર્ષે પહેલી વીકલી રીવ્યુ બેઠકમાં મ્યુનિ.કમિશનરે નવા વર્ષમાં ટ્રાફિક, પાર્કિંગ ઉપરાંત ગ્રીનરી અને એર પોલ્યુશનના પ્રોજેકટ ઉપર ખાસ ધ્યાન રાખવા સુચના આપી હતી.તેમણે કહયુ, એકશન ટેકન રીપોર્ટ બનાવો.મારી સમક્ષ રજૂ કરો.અને લાંબા સમયમા નહીં પણ ગણતરીના કલાકોમા કામ થઈ શકે કે કેમ એ બાબત ઉપર ફોકસ કરો. મારા ધ્યાનમા આવ્યુ છે કે, કોર્પોરેશનના મોટાભાગના અધિકારીઓ કન્સલ્ટન્ટના રીપોર્ટ ઉપર ડીપેન્ડન્ટ થઈ ગયા છે.કન્સલ્ટન્ટ ઉપર ભરોસો ના રાખો.તમે પોતે તમારા વોર્ડ કે ઝોનમાં નિયમિત રાઉન્ડ લઈ ગ્રાઉન્ડ રીપોર્ટ મેળવો. ટ્રાફિક કે પાર્કિંગની સમસ્યા અંગે હવે કોઈ ફરિયાદ રહેવી જોઈએ નહીં. મેન પાવરથી લઈ અન્ય કોઈ પ્રકારની મદદની જરુર હોય તો કહો.તે મદદ પુરી પડાશે.સાબરમતી રિવરફ્રન્ટને સેન્ટ્રલ પાર્ક ઓફ અમદાવાદ તરીકે ડેવલપ કરવા અને રીવરફ્રન્ટની એન્ટ્રી અને એકઝિટ આકર્ષક બનાવવા  કમિશનરે સુચના આપી હતી. ઉપરાંત હેરીટેજ વોકના રૃટ ઉપરના રોડ ઉપર ખાડા પડેલા છે.સાઈનેઝ બરોબર દેખાતા નથી.જેવી બાબતને લઈ  તેમણે કહયુ, અમદાવાદમાં ટુરીઝમ ક્ષેત્રે ખુબ નબળુ છે. મોટી સંખ્યામા વિદેશથી ટુરિસ્ટો અમદાવાદમા આવે એ પ્રમાણેનુ આયોજન કરો.

ખરાબ એરકવોલીટી સુધારો, જેથી તમારા બાળકોને ભોગવવુ ના પડે, મ્યુનિ.કમિશનર

મ્યુનિસિપલ કમિશનરે અમદાવાદના સતત ખરાબ થઈ રહેલા એરકવોલીટી ઈન્ડેકસને લઈ અધિકારીઓને તાકીદ કરી હતી.તેમણે ત્યાં સુધી કહયુ, ખરાબ એર કવોલીટી સુધારવાનુ તમારા હાથમાં જ છે. જો તમે એમાં સુધારો નહીં કરો તો તમારા બાળકોને ભોગવવુ પડશે. શહેરમાં ઓનગોઈંગ કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કોઈ ડેવલપર કે બિલ્ડર ગ્રીન નેટ બાંધવા સહિતના નિયમોનુ પાલન ના કરતા હોય તો તમે કોર્પોરેશનના ખર્ચે ગ્રીનનેટ લાવી તેની પાસે બંધાવો અને રકમ વસૂલ કરો. એ પછી પણ જો પ્રદૂષણ ફેલાય તો બાંધકામ સ્થગિત કરવા સુધીના પગલા લો.