અમદાવાદ,મંગળવાર, 20 જાન્યુ,2026
મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ગાર્ડન વિભાગના રુપિયા
૧૪૦ કરોડના કામની ફાઈલ સ્કુટીની માટે જોઈન્ટ ડાયરેકટર મિકેનીકલને મોકલી આપી હતી.જો
કે આ ફાઈલોમાં પુરતા ડોકયુમેન્ટ રજુ કરવામા નહીં આવતા સ્કુટીની થઈ શકી નથી.કમિશનરે
કરોડો રુપિયાની આ ફાઈલો પણ સ્કુટીની માટે મોકલી આપતા આ કામો સામે પણ મ્યુનિ.વર્તુળોમાં
શંકા વ્યકત કરવામા આવી રહી છે.
ગાર્ડન વિભાગ દ્વારા થોડા સમય પહેલા ટ્રેકટર ટ્રોલી સપ્લાય
અને ગાર્ડન લેબર સપ્લાયની એજન્સી એમ પેનલ કરવા બે જુદા જુદા ટેન્ડર કરાયા હતા.જેમા
ત્રણ વર્ષની મુદત અને બે વર્ષનો વધારો કરી શકાય તેવી જોગવાઈ કરવામા આવી હતી.ત્રણ
વર્ષ માટેના બે ટેન્ડરોની રકમ રુપિયા ૧૪૦.૨૨ કરોડ અને પાંચ વર્ષ માટે બે ટેન્ડરની
રકમ રુપિયા ૨૩૫.૭૦ કરોડ નકકી કરવામા આવી છે.જો કે આ બે ટેન્ડરોમાં ખોટી રીતે
એજન્સીઓને કવોલીફાય કરી ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાની રજુઆત જુદા જુદા
કોન્ટ્રાકટરો દ્વારા મ્યુનિસિપલ કમિશનનરને લેખિતમા કરાઈ છે.વિજિલન્સ તપાસની પણ
માંગ કરાઈ હતી.પરંતુ વિજિલન્સ તપાસ હજુ સુધી કરાઈ નથી.સૂત્રોમાંથી મળતી માહિતી
મુજબ, મ્યુનિસિપલ
કોર્પોરેશનની વર્તમાન ટર્મ પુરી થવા તરફ છે.આ પરિસ્થિતિમા ગાર્ડન વિભાગના અધિકારીઓ
કરોડો રુપિયાના ટેન્ડરોને મંજુર કરાવવા ઉતાવળ કરે છે.બીજી તરફ કેટલાક હોદ્દેદારો
પણ તમામ કામોની દરખાસ્ત ઝડપથી સ્ટેન્ડિંગ કમિટીની મંજુરી માટે મુકવામા આવે તેવુ
દબાણ કરી રહયા છે.


