ચિલોડા પંથકની સગીરાને એસિડ એટેક કરવાની મુંબઈના યુવાનની ધમકી

સોશિયલ મીડિયા ઉપર અજાણ્યા યુવાન સાથે મિત્રતા ભારે પડી
ફોટા ઉપર બિભત્સ લખાણ કરીને વાયરલ કર્યા લગ્ન કરાવવા માટે દબાણ, પોલીસે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગરના ચિલોડા વિસ્તારમાં રહેતી એક સગીરાને ઈન્સ્ટાગ્રામ પર થયેલી મિત્રતા ભારે પડી છે. મહારાષ્ટ્ર મુંબઈ નાલાસોપારાના એક યુવકે સગીરાનું ઈન્સ્ટાગ્રામ આઈડી હેક કરીને તેના ફોટા નીચે બિભત્સ લખાણ લખી વાયરલ કર્યા છે અને એસિડ એટેક કરવાની પણ ધમકી આપી હતી. જે મામલે પોલીસે યુવાન સામે ગુનો દાખલ કર્યો છે.
હાલમાં સગીર વયના બાળકો હોય કે યુવક યુવતીઓ સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ કરી રહ્યા છે અને તેમાં પણ અલગ અલગ માધ્યમો થકી અજાણ્યા વ્યક્તિઓ સાથે પરિચય કેળવીને વાર્તાલાપ કરતા હોય છે. જેના કારણે તેમને જ ઘણી વખત મુસીબતમાં મુકાવું પડતું હોય છે ત્યારે આવીજ એક સ્થિતિ ચિલોડા પંથકમાં રહેતી સગીરાની થવા પામી છે. જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે આ સગીરા ઈન્સ્ટાગ્રામ પર નાલાસોપારાના એક યુવકના સંપર્કમાં આવી હતી. ધીમે ધીમે તેમની વચ્ચે મિત્રતા ગાઢ બની હતી. જોકે આ સંબંધે ટૂંક સમયમાં જ ખતરનાક વળાંક લીધો હતો. યુવકે સગીરાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી લીધું અને તેના અંગત ફોટા નીચે અપમાનજનક અને બિભત્સ લખાણો લખીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. આટલેથી ન અટકતાં આ નરાધમ યુવકે સગીરાના પિતાને સીધો ફોન કરીને હિન્દીમાં ધમકી આપીને કહ્યું કે તેઓ તેમની દીકરીને નાલાસોપારા મોકલી આપે, કારણ કે તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. જો તેઓ વીડિયો કોલ પર વાત નહીં કરાવે કે તેની માંગણી નહીં માને તો યુવકે સગીરા પર એસિડ એટેક કરવાની અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ ધમકીભર્યા ફોનથી સગીરાનો પરિવાર ગભરાઈ ગયો છે. દીકરીની સુરક્ષાને લઈને ચિંતિત પિતાએ તાત્કાલિક ચિલોડા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો અને નાલાસોપારાના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી શરૃ કરી છે.








