Gujarat

મુંબઇના યુવકનું વડોદરામાં ટ્રેનની ટક્કર વાગતા મોત

By GS TEAM
30 Mar 20261 min read
મુંબઇના યુવકનું વડોદરામાં ટ્રેનની ટક્કર વાગતા મોત

વડોદરા,મુંબઇ બોરિવલ્લીમાં રહેતો અને મુંબઇમાં જ  શો રૃમમાં નોકરી કરતો યુવક ઘરેથી નોકરી  પર જવાનું કહીને નીકળ્યા પછી તેનો મૃતદેહ વડોદરા રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. 

વિશ્વામિત્રી અને મકરપુરા રેલવે સ્ટેશનની વચ્ચે ટ્રેનની ટક્કર વાગતા એક યુવકને ગંભીર ઇજા થઇ હોવાનો મેેેસેજ મળતા રેલવે પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ટ્રેક પરથી મૃતદેહ બહાર લાવી તપાસ કરતા તેની પાસેથી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ટ્રેકથી થોડે દૂર એક બેગ મળી હતી. તેના આધારે હે.કો. મીઠાભાઇએ તપાસ કરતા મૃતકનું નામ નિર મુકેશભાઇ છાડવા, ઉં.વ.૨૬ (રહે. સી.એસ.પી., ગીતાંજલી, સાંઇબાબા નગર,બોરીવલી, મુંબઇ) હોવાનું જાણવા મળ્યું હતુ. પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. તેના પત્નીને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી છે કે, નિર છાડવા અને તેની પત્ની મૂળ કચ્છના વતની છે. ચાર મહિના પહેલા જ તેઓના લગ્ન થયા છે. નિર એક શો રૃમમાં મુંબઇમાં નોકરી કરતો હતો. આપઘાત, અકસ્માતે ટ્રેનની અડફેટે આવી જવાની ઘટના હોવાની શક્યતા અંગે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.