Get The App

મુંબઇની કંપનીએ ગુજરાતનાં 9થી વધુ શહેરોમાં કૌભાંડ આચર્યાનું ખુલ્યું

Updated: Apr 9th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઇની કંપનીએ ગુજરાતનાં 9થી વધુ શહેરોમાં કૌભાંડ આચર્યાનું ખુલ્યું 1 - image


હળદરની ખેતીના નામે કરોડો રૂપિયા ઓળવી જનાર ઝડપાયેલા 4 આરોપીઓ કહે છે કે કંપની ઉપર GSTની રેડ પડતાં તમામ ખાતાંઓ સીઝ થતાં રોકાણકારોને પૈસા આપી ન શક્યા

રાજકોટ, : હળદરની ખેતીમાં ઊંચા વળતરની લાલચ આપી રાજકોટના પ્રશાંતભાઈ કાનાબાર સહિતનાં વેપારીઓનાં રૂ. 64.80 કરોડ ઓળવી લેનાર અને ત્રણ વર્ષ એગ્રીમેન્ટ મુજબના 1 અબજ 94 કરોડ નહીં આપી છેતરપિંડી કરનાર મુંબઈના થાણેમાં આવેલી એએસ એગ્રી એન્ડ એક્વા એલએલપી કંપનીએ સુરત, જામનગર, કાલાવડ, હિમતનગર, ગાંધીનગર, વલસાડ અને અમદાવાદ સહિતના શહેરોમાં પણ કૌભાંડ આચર્યાનું ક્રાઇમ બ્રાંચની તપાસમાં બહાર આવ્યું છે. 

ક્રાઇમ બ્રાંચે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ તમામ શહેરોમાં પણ આરોપી કંપનીના સંચાલકોએ હળદરની ખેતી અંગે કોન્ટ્રાક્ટ ફાર્મિંગના એગ્રીમેન્ટ સાઇન કરી એડવાન્સ રૂપિયા મેળવી લઇ પ્રોજેક્ટ પૂરા નહીં કરી રૂપિયા ઓળવી લીધા હતાં. જેમાંથી અમરેલી અને વડોદરા અને રાજકોટ શહેરમાં ગુના દાખલ થયા છે. બાકીના કોઇ શહેરોમાં હજુ સુધી ગુના દાખલ થયા નથી. ક્રાઇમ બ્રાંચે આ કૌભાંડમાં કંપનીના અઢી-અઢી ટકાના ભાગીદારો અને કર્મચારીઓ હર્ષલ મહાદેવરાવ ઓજે, વૈભવ વિલાસ કોટલાપૂરે, પ્રવિણ વામન પથારે અને હિરેન દિલીપ પટેલની ધરપકડ કરી નવ દિવસના રિમાન્ડ ઉપર લીધા છે.

પૂછપરછમાં આરોપીઓએ એવી કબૂલાત આપી છે કે શરૂઆતમાં તેમની કંપનીનું કામ બરાબર ચાલતું હતું. જેને કારણે નવા-નવા પ્રોજેક્ટ મળતા ગયા હતા. પરિણામે કંપનીએ રોકાણકારોને વળતર પણ આપ્યું હતું. બધા ઓપરેશન વ્યવસ્થિત ચાલતા હતા.  પરંતુ તે દરમિયાન ઓગસ્ટ- 2022માં કંપની ઉપર જીએસટીની રેડ પડી હતી. જેમાં કેસ થતાં કંપની અને તેના સંચાલકો-ભાગીદારોનાં બેન્ક ખાતા સીઝ થઇ ગયા હતાં. જેને કારણે પેમેન્ટ કરી શક્યા ન હતાં. વળી, જીએસટીને લગતો કેસ થતાં કંપનીના સંદેશ ખામક, હિરેન પટેલ અને વૈભવ કોટલાપરાને જેલમાં જવું પડયું હતું. 

આ તમામ કારણોસર કર્મચારીઓને પગાર પણ ચૂકવી શકાયો ન હતો. એટલું જ નહીં જે પ્રોજેક્ટ હતાં તેમાં પણ કંપની ધ્યાન આપી શકી ન હતી. જેને કારણે રોકાણકારોના નાણા સલવાઇ ગયા હતા.  ક્રાઇમ બ્રાંચના સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધીમાં આ કંપની સામે ગુજરાતમાં ત્રણ ઉપરાંત મહારાષ્ટ્રના થાણે અને પૂનામાં બે મળી કુલ પાંચ ગુના દાખલ થયા છે. જેમાંથી થાણેના કાસારવડવલી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં કંપનીના સંદેશ ખામકર, પ્રશાંત જાડે અને સંદીપ સામંત હાલ જેલમાં છે. જેમનો ટૂંક સમયમાં રાજકોટ ક્રાઇમ બ્રાંચ જેલમાંથી કબજો લેશે. 

ક્રાઇમ બ્રાંચને એવી પણ માહિતી મળી છે કે મુખ્ય આરોપી પ્રશાંત જાડે છે. જે કંપનીમાં 55 ટકાનો ભાગીદાર છે. બાકીનાં 18 આરોપીઓ 2.50  ટકાના ભાગીદારો છે.  ક્રાઇમ બ્રાંચના ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું કે બીજા કોઇ સાથે આ રીતે છેતરપિંડી થઇ હોય તો ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરી શકે છે. ખાસ કરીને જમીન લીઝ ઉપર આપનાર ખેડૂતો પણ જો ભોગ બન્યા હોય તો  ક્રાઇમ બ્રાંચનો સંપર્ક કરી શકે છે. 

Tags :