Gujarat

દંપતિને યુકેનો નોકરીનો બોગસ કોલ લેટર આપીને એજન્ટે છેતરપિંડી કરી

By GS TEAM
4 Oct 20252 mins read
દંપતિને યુકેનો નોકરીનો બોગસ કોલ લેટર આપીને એજન્ટે છેતરપિંડી કરી

અમદાવાદ,શનિવાર

શાહીબાગમાં રહેતા દંપતિને યુ.કે ગેંરટેડ નોકરી અપાવવાનું કહીને મુંબઇના એજન્ટ દંપતિએ લાખો રૂપિયા પડાવ્યા બાદ  બોગલ કોલ લેટર આપીને ૪૮ લાખ રૂપિયા પડાવીને છેતરપિંડી કરી હોવાની ફરિયાદ સ્પેશીયલ ઓપરેશન ગુ્રપમાં નોંધવામાં આવી છે.  આ કેસમાં દંપતિએ યુ.કે પહોંચીને તપાસ કરતા તેમને નોકરીનો બોગસ કોલ લેટર મળ્યો હોવાની જાણ થઇ હતી. એટલું જ નહી યુકે પોલીસે નિયમના ભંગ બદલ બંનેની લંડનમાં ધરપકડ કરતા તેમને જામીન લેવા પડયા હતા.  આ કૌભાંડમાં અનેક મોટા ખુલાસા થવાની  શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.


શાહીબાગ ડફનાળા પાસે આવેલા શાહી સુંદરમ ફ્લેટમાં રહેતા પ્રતિક ગાડે અને તેમની પત્ની  મુસ્કાન સાથે થયા હતા.  પ્રતિક અને તેની પત્નીને લંડનમાં નોકરી કરવા માટે જવાનું હોવાથી  તેણે મુંબઇ તાડદેવ માર્કેટમાં ઓફિસ ધરાવતા વૈભવ સિંદનો સંપર્ક કર્યો હતો. વૈભવે તેની સાથે મુલાકાત કરીને યુ.કેના વીઝા, ટિકીટ અને નોકરી અપાવવા માટે  ૩૬ લાખની ડીલ કરી હતી. ત્યારબાદ વૈભવ અને તેની પત્ની ધનલ અવારનવાર અમદાવાદ પ્રતિકના ઘરે આવતા હતા અને તેમણે ડોક્યુમેન્ટ લઇને બંનેને પ્રથમ દિવસે જ યુ.કેમાં નોકરી શરૂ કરાવી આપવાની ખાતરી આપી હતી.  જેથી પ્રતિક તેમને તબક્કાવાર કુલ  ૩૬ લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા.

આ દરમિયાન વૈભવ અને તેની પત્નીએ સીજી રોડ પર ટાઇમ્સ સ્કેવર કોમ્પ્લેક્સમાં ફોર્ચુન ઇન્ટરનેશનલ નામથી ઓફિસ શરૂ કરી હતી. બીજી તરફ ૩૬ લાખ રૂપિયા આપ્યા બાદ પણ વીઝાના કામગીરી ન થતા પ્રતિકે પુછપરછ કરતા તેણે પીઆર માટે બીજા ૧૫ લાખ રૂપિયા માંગ્યા હતા. પરંતુ, જેથી પ્રતિકે તેના એક સગા પાસેથી ૧૨ લાખ ઉછીના લઇને વૈભવને આપ્યા હતા. થોડા દિવસ બાદ વૈભવે પ્રતિકને  યુકેની એક કંપનીનો ઓફર લેટર આપ્યો હતો.

જેના આધારે પ્રતિક અને તેના પત્ની  લંડન પહોંચ્યા હતા. પરંતુ,  ત્યાં પહોંચીને તેમને આચંકો લાગ્યો હતો કારણ કે ઓફર લેટરમાં જે કંપનીનું નામ હતું કે કંપની અસ્તિત્વમાં જ નહોતી. જેથી પ્રતિકે વૈભવને ફોન કરતા તેણે ભુલથી અન્ય કંપનીનો લેટર મળ્યો હોવાનું કહીને બીજો લેટર મોકલી આપવાનું કહ્યું હતું. પરંતુ, નોકરીનો લેટર ન મળ્યો ન નહોતો.

બીજી તરફ તપાસ કરતા પ્રતિકને જાણવા મળ્યું હતું કે વૈભવે અન્યના ઓફર લેટરમાં છેડછાડ કરીને પ્રતિક અને તેની પત્નીને નોકરી મળ્યાનું કહીને ડોક્યુમેન્ટ આપ્યા હતા. આ ઉપરાંત, યુકે ના નિયમ મુજબ ૬૦ દિવસમાં નોકરી ન મળતા  યુકે પોલીસે બંનેને ધરપકડ કરી હતી અને ૧૪ દિવસ જેલમાં રહ્યા બાદ જામીન લઇને મહામુસીબતે ભારત પરત આવ્યા હતા. આમ, વૈભવ અને તેની પત્નીએ છેતરપિંડી કર્યા અંગેની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.