મુળીનો નાયકા ડેમ ઓવરફ્લો થતાં ૧૭ દરવાજા આઠ ફૂટ ખોલાયા

નીચાણવાળા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા
તાલુકામાં અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નાયકા ડેમ પ્રથમ વરસાદમાં ઓવરફ્લો થયો
સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને સોમવાર સાંજથી મંગળવારે બપોર સુધી અંદાજે ૦૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો જ્યારે મુળી તાલુકા સહિત ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે મુળી તાલુકામાં નાયકા ડેમ ઓવરફલો થતાં તંત્ર સર્તક બન્યું હતું.
મુળી તાલુકામાં ભારે વરસાદ સહિત ઉપરવાસમાં પડેલા વરસાદને પગલે મુળી તાલુકાનો નાયકા ડેમ ઓવરફલો થયો હતો. ડેમના ૧૯ દરવાજા ૮ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા અને ડેમમાંથી અંદાજે ૫૪,૨૬૪ ક્યુસેક પાણી છોડવાનું શરૃ કરવામાં આવ્યું હતું. જ્યારે તંત્ર દ્વારા નીચાણવાળા ગૌતમગઢ, ગોદાવરી, શેખપર, નાયકા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા અને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તાકીદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, મુળી સહિત આસપાસના ગામોને પાણી પુરૃ પાડતો નાયકા ડેમમાં માત્ર ૨૦ ટકા જેટલું જ પાણી બચ્યું હતું અને લોકો વરાસદની રાહ જોઈ રહ્યાં હતાં. તેવામાં પ્રથમ વરસાદમાં જ નાયકા ડેમ ઓવરફલો થતાં મુળી તાલુકાની પાણીની સમસ્યાથી અમુક ગામોને રાહત મળી છે. ઉલ્લેકનીય છે કે મુળી તાલુકામાં સોમવારે મોડી સાંજથી મંગળવાર સવારે ૬ વાગ્યા સુધીમાં ૯૨ મીમી અને મંગળવારે સવારના છ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધીમાં કુલ ૧૩૫ મીમી વરસાદ પડયો હતો.









