Gujarat

લંડનમાં પૌત્રની સગાઈની વાત હોવાથી મુકતાબેન ખૂબ જ ખુશ હતા

By GS TEAM
18 Jun 20252 mins read
લંડનમાં પૌત્રની સગાઈની વાત હોવાથી મુકતાબેન ખૂબ જ ખુશ હતા

પુત્રી સાથે DNA મેચ થયા હતા : તંત્રએ તાબુત નહીં ખોલવાની પરિવારજનોને સૂચના આપી હતી : અમદાવાદ પ્લેન ક્રેશમાં ભોગ બનેલા રાજકોટના વૃદ્ધાની અંતિમયાત્રામાં કરૂણ દ્રશ્યો સર્જાયા : દસમી વખત લંડન જઈ રહ્યા હતા, સાથે ભાગવત ગીતા અને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ લઈ ગયા હતા

રાજકોટ, : અમદાવાદમાં પ્લેન ક્રેશમાં ભોગ બનેલા રાજકોટનાં મુકતાબેન બચુભાઈ ડાંગર (ઉ.વ. 73)ના ડીએનએ ગઈકાલે રાત્રે મેચ થયા બાદ સવારે પરિવારજનોને તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. બપોરે રાજકોટમાં નીકળેલી અંતિમયાત્રામાં કરૂણ દ્રશ્યો સર્જાયા હતા. રૈયામાં આવેલા સ્મશાનમાં તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા.  ઘંટેશ્વર એસઆરપી કેમ્પ સામે બાપા સિતારામ ચોક નજીક વર્ધમાન સોસાયટીમાં મુકતાબેન એકલા રહેતા હતા. તેમને સંતાનમાં બે પુત્રી મિનલબેન અને રચનાબેન છે. પુત્ર મયુર વર્ષોથી લંડનમાં રહે છે. જેથી મુકતાબેન છ માસ લંડનમાં અને છ માસ રાજકોટમાં રહેતા હતા. અત્યાર સુધી નવેક વખત લંડન જઈ ચુકયા હતા. આ વખતે દસમી વખત લંડન જઈ રહ્યા હતા.  તેમના પુત્રી મિનલબેન સાથે ગઈકાલે રાત્રે ડીએનએ મેચ થયા હતા. 

જેથી તંત્રએ આ અંગે જાણ કરી હતી. તે સાથે જ પરિવારજનો અમદાવાદ જવા રવાના થઈ ગયા હતા. આજે સવારે 7.30  વાગ્યાની આસપાસ તેમનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો હતો. તંત્રએ તાબુત નહીં ખોલવાની પણ સૂચના આપી હતી. એમ્બ્યુલન્સમાં મૃતદેહ લવાયો હતો.  સાથે બે પોલીસની ગાડી પણ હતી.  રાજકોટમાં સવારે 11.30 વાગ્યાની આસપાસ મૃતદેહ લવાયો હતો. બપોરે એકાદ વાગ્યે અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. મુકતાબેન પોતાની સાથે ભાગવત ગીતા અને કૃષ્ણ ભગવાનની મૂર્તિ પણ લઈ ગયા હતા. તંત્ર દ્વારા તેમને એક બોકસ આપવામાં આવ્યું છે. જો કે આ બોકસમાં શું છે તે હજૂ પરિવારજનોએ જોયું નથી.