Gujarat

ઠાસરાના પીપલવાડા પંથકમાં કાદવ-કીચડના રસ્તાથી હાલાકી

By GS TEAM
9 Dec 20252 mins read
ઠાસરાના પીપલવાડા પંથકમાં કાદવ-કીચડના રસ્તાથી હાલાકી

- તાલુકા પંચાયચ માર્ગ મંજૂર કરવા માંગ 

- 25 જાન્યુ.ના રોજ તા. પં. કમ્પાઉન્ડમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી 

ઠાસરા : આઝાદીના ૭૫ વર્ષ પછી પણ ઠાસરા તાલુકાના પીપલવાડા ગ્રામ પંચાયતના ચારથી પાંચ પરાં વિસ્તારોમાં રહેતા આશરે ૧૫૦૦ની વસ્તીને બે કિલોમીટરના કાચા અને કાદવવાળા રસ્તાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ગામલોકોમાં પંચાયત તંત્ર દ્વારા સત્વેર પાકો રસ્તો બનાવવા માંગ ઉઠવા પામી છે. 

પીપલવાડાથી ગોતીપુરા પેટા ગામને જોડતા આ બે કિલોકમીટરના રસ્તા પર બારેમાસ કાદવ-કીચડ રહે છે, પીપલવાડા ગામ પંચાયત વિસ્તામાં આવેલા ગોતીપુરાની સાથે જેસંગપુરા, લક્ષ્મીપુરા, દાજીપુરા, હિંમતનગર જેવા બીજા પરા પણ જોડાયેલા છે. આશરે ૬૦૦ વીઘા ખેતીની જમીન આવેલી છે. જેના કારણે ખેડૂતોને હળ-લાકડાં અને ખેતીના સાધનો લઈ જવામાં તકલીફ પડે છે. સૌથી ગંભીર બાબત એ છે કે, બીમાર વ્યક્તિઓ માટે ૧૦૮ એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પ્રવેશી શકતી નથી. પ્રસૂતિની પીડા ભોગવતી મહિલાઓને ખાટલામાં સુવડાવીને મુખ્ય રસ્તા સુધી લઈ જવાની ફરજ પડે છે, જેના કારણે અનેકવાર દર્દીઓ રસ્તામાં જ મૃત્યુ પામ્યા હોવાના કિસ્સા બન્યા છે. સ્થાનિક તાલુકા પંચાયત સભ્ય અને સરપંચો દ્વારા ૨૦૧૮થી રસ્તો બનાવવા માટે તાલુકા પંચાયતમાં અનેકવાર રજૂઆતો અને ઠરાવો કરવામાં આવ્યા છે, પરંતુ આઠ વર્ષ વીતી ગયા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જેથી વહેલી તકે આ રસ્તો મંજૂર નહીં થાય, તો આગામી ૨૫ જાન્યુઆરીના રોજ મહિલાઓ અને ગ્રામજનો દ્વારા ઠાસરા તાલુકા પંચાયત કમ્પાઉન્ડમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ચિમકી આપવામાં આવી છે.