આસીફ ગાંડાના જુગારધામમાંથી રૃા.10.35 લાખનો મુદ્દામાલ કબજે
બેગમપરાના તુલસી ફળિયામાં હાઇપ્રોફાઇલ જુગારધામમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડા પાડી 99 જુગારી પકડયા હતા
સુરત,તા.17 જુલાઈ 2020 શુક્રવાર
સુરતના બેગમપુરા તુલસી ફળીયામાં સ્ટેટ મોનીટરીંગ સેલે ગતરોજ આસીફ ગાંડાના જુગારધામ ઉપર છાપો મારી 99 જુગારીઓને ઝડપી પાડી રોકડા રૃ.4.67 લાખ, મોબાઈલ ફોન, બાઈક વિગેરે મળી કુલ રૃ.10.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતમાં કોરોનાનું સંક્રમણ ઘાતક તબક્કામાં છે ત્યારે મહિધરપુરા પોલીસ મથકથી માંડ એક કિલોમોટરના અંતરે આવેલા બેગમપુરા તુલસી ફળીયામાં ધમધમતા કુખ્યાત આસીફ ગાંડાના હાઈપ્રોફાઈલ જુગારધામ ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ગત બપોરે છાપો મારી ત્યાં જુગાર રમતા ૯૯ જુગારીઓને ઝડપી પાડી તેમની પાસેથી રોકડ રકમ, મોબાઈલ ફોન, 8 થી 10 બાઈક મળી લાખો રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલે જુગારધામના સંચાલક આસીફ ગાંડાને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્યાંથી રોકડા રૃ.4.67 લાખ, મોબાઈલ ફોન, બાઈક અન્ય સાધનો વિગેરે મળી કુલ રૃ.10.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મોડીરાત સુધી ચાલેલી કાર્યવાહી બાદ સ્ટેટ મોનીટરીંગ સેલે મહિધરપુરા પોલીસ મથકમાં આ અંગે ગુનો નોંધાવ્યો હતો.