Gujarat

તળાજાના શાકમાર્કેટમાં કાદવ-કિચડના સામ્રાજયથી હાલાકી

By GS TEAM
27 Oct 20251 min read
તળાજાના શાકમાર્કેટમાં કાદવ-કિચડના સામ્રાજયથી હાલાકી

- વરસાદી છાંટા પડતાની સાથે જામતા કિચડના થર

- કિચડમાં છાસવારે ગ્રાહકો ગબડી પડે છે, સમસ્યા કાયમી નિરાકરણ ઝંખે છે

તળાજા : વરસાદી છાંટા પડતાની સાથે જ તળાજાના શાકમાર્કેટમાં કાદવ અને કિચડનું સામ્રાજય છવાઈ જાય છે.૨૫ વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં આ શિરદર્દ સમાન સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શકાયુ ન હોય ગ્રાહકોમાં પ્રબળ કચવાટ વ્યાપેલ છે. 

ગઈકાલ રાત્રીથી તળાજામાં ઝરમર વરસાદ ભીંજવી રહ્યો છે.જેને લઈ શાક માર્કેટમાં જતા પહેલા કિચડમાં લપસવાની અથવા તો કીચડ વાળા થવાની તૈયારી હોય તે વ્યક્તિ જઈ શકે છે.તેમાં ય ખાસ કરીને મહિલાવર્ગને સાડી પહેરીને ત્યાંથી ચાલવું જોખમી બને છે. અત્રે ૫૦ થી ૧૦૦ ડગલાં ચાલવા માટે નાકે દમ આવી જાય છે.વેપારીવર્ગ પણ કાદવ-કિચડના કારણે ત્રાસી ગયા છે.આ સમસ્યા વર્ષોથી છે તેમ છતાંય પાલિકાના શાસકો કે ઈજનેર કક્ષાના કર્મચારીઓ હલ કરી શક્યા નથી.આથી  શાકમાર્કેટમાં આવતા લોકોએ વ્યથા અને રોષ વ્યક્ત કર્યો હતો.દરમિયાન તળાજાના ચીફ ઓફિસર આ સમસ્યાનોે કાયમી નિકાલ લાવે તેવી અપેક્ષા સેવાઇ રહી છે.