Gujarat

લખતરના ભૈરવપરા સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ કાદવ-કીચડનું સામ્રાજ્ય

By GS TEAM
26 Jun 20252 mins read
લખતરના ભૈરવપરા સહિતના વિસ્તારોમાં વરસાદ બાદ કાદવ-કીચડનું સામ્રાજ્ય

તંત્રને રજૂઆત છતાં ઉકેલ નહીં, ચૂંટાયેલા પ્રતિનિધિ સામે આક્રોશ

11 કરોડના ખર્ચે નાખેલી ગટર લાઇન બંધ રહેતા હાલાકી, બે કરોડના ખર્ચે નાખેલી પાઇપલાઇન અનેક ઠેકાણે લીક 

સુરેન્દ્રનગર -  લખતર શહેરી વિસ્તારમાં અનેક જગ્યાએ વરસાદી પાણીનો નિકાલ ન થતાં સ્થાનીક રહિશો સહિત લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે જે મામલે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં તંત્ર અને રાજકીય આગેવાનો સામે રોષ જોવા મળી રહ્યો છે.

લખતર શહેરના ખાળીયા વિસ્તાર, ભરવાડ વાસ, કોળીવાસ સહિત મફતિયાપરા, ભૈરવપરા વિસ્તારના લોકોને વર્ષોથી તંત્ર દ્વારા રોડ, રસ્તા, સફાઈ, ગટર સહિતની પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં ન આવતા બારે મહિના હાલત કફોડી હોય છે. જ્યારે તંત્ર દ્વારા લખતર ગામ સહિત બહારના પરા વિસ્તારમાં અંદાજે રૃા.૧૧ કરોડના ખર્ચે નાંખવામાં આવેલા અંડરગ્રાઉન્ડ ગટર લાઈન બંધ હોવાથી સ્થાનિક રહિશોના ઘરના પાણીનો નિકાલ યોગ્ય રીતે થતો નથી. તેમજ નલ કે જલ યોજના અંતર્ગત રૃા.૨ કરોડના ખર્ચે નાંખવામાં આવેલી નવી પાઈપલાઈન પણ અનેક જગ્યાએ લીકેજ હોવાથી મહિલાઓને પાણી માટે હાલાકી પડી રહી છે અને માથે બેડા ઉપાડી પાણી ભરવા તેમજ કપડા ધોવા તળાવ સુધી લાંબુ થવું પડે છે.

જ્યારે લખતરના મફતિયાપરાને ભૈરવપરા વિસ્તારમાં રોડ, રસ્તાનો અભાવ હોવાથી ઠેરઠેર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ રહેતા સીનીયર સીટીઝનો, મહિલાઓ, નાના બાળકોને ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે તેમજ સ્ટ્રીટ લાઈટનો પણ અભાવ હોવાથી ઝેરો જીવજંતુ કરડવાનો ભય સતાવી રહ્યો છે. હાલ માત્ર થોડા વરસાદમાં જ ભૈરવપરા સહિતના વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય સર્જાતા સ્થાનીક સીનીયર સીટીઝન મહિલા સહિત રહિશોએ તંત્રને આડેહાથે લીધું હતું અને રાજકીય આગેવાનો તેમજ નેતાઓ મત માંગવા આવે છે પરંતુ જીતી ગયા બાદ સ્થાનીક વિસ્તારની સમસ્યાનો ઉકેલ લાવવામાં રસ દાખવતા નથી તેવો આક્ષેપ કર્યો હતો અને લખતર શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સફાઈ હાથધરી કાદવ અને કીચડની સમસ્યાથી છુટકારો લાવવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.