Get The App

સિવિલમાં પૂરા થયા 300 ઓપરેશન, 85%ને કોરોના મટયા પછી મ્યુકોમાઈકોસીસ

- રાજકોટમાં મ્યુકોર માઈકોસીસના કેસોમાં આંશિક ઘટાડો

- કૂલ 623 દર્દીઓમાં 71% ડાયાબીટીસ હતો

Updated: May 29th, 2021

GS TEAM

Google News
Google News
સિવિલમાં પૂરા થયા 300 ઓપરેશન, 85%ને કોરોના મટયા પછી મ્યુકોમાઈકોસીસ 1 - image


મ્યુકોરમાઈકોસીસ થયો તેમાં પ્રૌઢોની અને સ્ત્રી કરતા પુરુષોની  સંખ્યા  વધારે 

રાજકોટ, : રાજકોટ માં કોરોના ડાઉન થયો છે પરંતુ, હજુ સપ્ટેમ્બરના પીક ટાઈમ જેવા રોજ ૧૦૦થી વધુ કેસો નોંધાતા રહે છે ત્યારે હવે કોરોનાથી વધુ ભયાનક મ્યુકોર માઈકોસીસનો ઉપદ્રવ વધ્યો છે. સિવિલ હોસ્પિટલમાં આજે આ મહામારીના ૩૦૦ દર્દીઓના ઓપરેશન પૂરા કરવામાં આવ્યા હતા. તો આ મહારોગના માત્ર સિવિલમાં દાખલ કૂલ ૬૨૩ દર્દીઓમાં ૭૧ ટકા  દર્દીઓને ડાયાબીટીસ હતો અને ૬૧ ટકા દર્દીઓએ સ્ટીરોઈડ જેવી સારવાર અપાઈ હતી.

સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ જણાવ્યું કે સિવિલમાં હાલ ૪૪૮ દર્દીઓ દાખલ છે જેમાં કૂલ ૩૦૦ દર્દીઓના ઓપરેશન આજ સુધીમાં કરાયા છે. જ્યારે બહુ ગંભીર નહીં તેવા ૧૭૫ દર્દીઓને સમરસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને કૂલ ૬૨૩ની સારવાર ચાલી રહી છે. 

તેમણે ઉમેર્યું કે પહેલા રોજ ૨૦થી વધુ કેસો આવતા હતા તે હવે ઘટીને હાલ રોજના ૧૦થી ૧૨ દર્દીઓ એડમીટ થાય છે. અને મ્યુકોર માઈકોસીસ પણ કાબુમાં આવે તેવી આશા છે. 

સિવિલમાં હવે મ્યુકોર માઈકોસીસના દર્દીઓની હિસ્ટ્રી પણ રાખવામાં આવે છે જેના તારણો ધ્યાન ખેંચે તેવા છે. સૂત્રો અનુસાર (૧) કૂલ દર્દીઓમાં ૬૦ ટકા પુરુષો અને ૪૦ ટકા સ્ત્રીઓ છે. આમ, પુરુષોને તે વધુ થાય છે. (૨) ૫૦થી ૫૯ વર્ષના દર્દીઓ ૩૩ ટકા અને ૪૦થી ૫૯ વર્ષના દર્દીઓમાં પુરુષોમાં ૫૭ ટકા અને સ્ત્રીઓમાં ૫૧ ટકા છે. આમ, પ્રૌઢ વયના દર્દીઓ વધારે છે. જ્યારે ૧૯થી નાની વયના દર્દીઓ માત્ર ૧ ટકો એટલે કે ૬-૭ છે. (૩) ૭૧ ટકા દર્દીઓને ડાયાબીટીસ હતો જે મ્યુકોર માઈકોસીસ થવા માટે મુખ્ય કારણ મનાય છે. (૪) આ મહારોગ કોરોનાને કારણે થાય છે, ૧૫ ટકા દર્દીઓ એવા છે જેઓને કોરોના હતો ત્યારે જ મ્યુકોર માઈકોસીસનો ચેપ લાગી ગયો જ્યારે ૮૫ ટકા દર્દીઓને કોરોના મટી ગયો, રિપોર્ટ નેગેટીવ આવ્યો પણ કોરોનાની ઘાતક અસર શરીરમાં થતા મ્યુકોર માઈકોસીસ થયો હતો. (૫) સિવિલમાં દાખલ દર્દીઓમાં ૫૭ ટકા રાજકોટ શહેર અને જિલ્લાના છે અને ૪૩ ટકા અન્ય જિલ્લાઓના છે તેમાં ૧૪૪ દર્દીઓ માત્ર ગીર સોંમનાથ અને જુનાગઢ જિલ્લાના છે.

Tags :