એમ.એસ.યુનિ.માં શિક્ષણ નીતિના અમલની એક સપ્તાહ સુધી સમીક્ષા કરાશે
વડોદરાઃ કેન્દ્ર સરકારની નવી શિક્ષણ નીતિને પાંચ વર્ષ પૂરા થયા છે.૨૦૨૦માં તેને લાગુ કરવામાં આવી હતી.એમ.એસ.યુનિવર્સિટી સત્તાધીશોએ નવી શિક્ષણ નીતિના અમલની સમીક્ષા કરવાની કવાયત હાથ ધરી છે.
યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં શિક્ષણ નીતિના કયા પાસાનો અસરકારક રીતે અમલ થયો છે અને કયા પાસાને વધારે સારી રીતે અમલમાં મૂકી શકાય તેના પર ચર્ચા હાથ ધરવામાં આવશે.જેના ભાગરુપે તા.૨૮ જુલાઈથી તા.૨ ઓગસ્ટ દરમિયાન વિવિધ ફેકલ્ટીઓમાં વિવિધ વિષયો પર ફેકલ્ટીઓના ડીન, અધ્યાપકો માટે સેમિનાર યોજાશે.જેનો પ્રારંભ તા.૨૮મીએ શિક્ષણ નીતિ માટે એમ.એસ.યુનિવર્સિટીના રોડ મેપ..સેમિનારથી થશે.
સૂત્રોનું કહેવું છે કે, નવી શિક્ષણ નીતિના અમલના પગલે વિવિધ ફેકલ્ટીમાં ઓનર્સ ડિગ્રી કોર્સ શરુ થયા છે.જેનું અત્યારે ત્રીજુ વર્ષ છે.આ વર્ષે વિદ્યાર્થીઓને ડિગ્રી લેવાનો કે પછી ચોથા વર્ષમાં અભ્યાસ કરીને ઓનર્સ ડિગ્રી લેવાનો વિકલ્પ મળશે.જેની વ્યવસ્થા આ વર્ષે ગોઠવવી પડશે.ઉપરાંત ત્રીજા વર્ષમાં મેજર અને માઈનોર વિષયની પસંદગીને લઈને ઘણી ફેકલ્ટીઓમાં મૂંઝવણ છે અને તેનો યોગ્ય રીતે અમલ થયો નથી.શિક્ષણ નીતિને લાગુ કરવામાં અધ્યાપકો અને કર્મચારીઓની ઓછી સંખ્યા પણ મોટો અવરોધ બની શકે છે.આ તમામ બાબતોને સમીક્ષામાં ધ્યાનમાં લેવાશે.
વિવિધ વિષયો અંગે ચર્ચાસત્રો યોજાશે
તા.૨૯ જુલાઈના રોજ ડિગ્રી પ્રોગ્રામને લાગુ કરવા માટે અને અભ્યાસક્રમમાં ફેરફાર અંગે, તા.૩૦ જુલાઈના રોજ ઈન્ડિયન નોલેજ સિસ્ટમ અંગે, તા.૩૧ જુલાઈના રોજ સ્કિલ ડેલપમેન્ટ તેમજ ઈન્ટર્નશિપ અંગે ચર્ચા થશે.જ્યારે તા.૧ ઓગસ્ટના રોજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને તેની સામાજીક અસરો તેમજ તા.૨ ઓગસ્ટના રોજ શિક્ષણ નીતિ હેઠળ રિસર્ચ એન્ડ ઈનોવેશન વિષય પર સેમિનાર હાથ ધરાશે.