પ્રવેશનો પહેલો રાઉન્ડ : MSU પોતાની વેબસાઈટ પર પ્રવેશ યાદી નહીં મૂકે, વિદ્યાર્થીઓને SMSથી જાણ કરાશે
Vadodara M S University : ધોરણ 12 પછી રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓના અનુસ્નાતક કોર્સમાં પહેલા રાઉન્ડમાં પ્રવેશ આપવાની કાર્યવાહી તા. 29 મેથી શરૂ થશે. ત્યારે એમ.એસ. યુનિવર્સિટી સત્તાધીશોએ યુનિવર્સિટીની વેબસાઇટ પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની યાદી જાહેર નહીં કરવાનો નિર્ણય લીધો છે. જોકે, યુનિવર્સિટી દ્વારા પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને SMS મોકલવામાં આવશે.
વિદ્યાર્થીઓને SMS મોકલવામાં આવશે
મળતી વિગતો પ્રમાણે, યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓ દ્વારા વિદ્યાર્થીઓને જીકાસ પોર્ટલ પર જ પ્રવેશની યાદી ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. એક ફેકલ્ટી ડીને કહ્યું હતું કે, ગત વર્ષે યુનિવર્સિટીની વેબસાઇટ પર પણ પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું લિસ્ટ મૂકવામાં આવતું હતું, પરંતુ આ વર્ષથી યુનિવર્સિટી સત્તાધીશોએ આ નિર્ણયમાં ફેરફાર કર્યો છે. જોકે, યુનિવર્સિટી દ્વારા પહેલા રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને SMS મોકલવામાં આવશે. આ સાથે વિદ્યાર્થીઓએ જીકાસ પોર્ટલ પર પ્રવેશ યાદીમાં નામ છે કે નહીં તે ચેક કરી લેવું હિતાવહ રહેશે.
ફી નહીં ભરે તેનો પ્રવેશ કન્ફર્મ નહીં ગણાય
ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીની કોમર્સ, આર્ટસ, સાયન્સ સહિતની ફેકલ્ટીઓના વિવિધ ડિગ્રી કોર્સમાં તા. 29 થી 31 મે સુધી પહેલા રાઉન્ડમાં પ્રવેશ અપાશે. આ દરમિયાન વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે. જે વિદ્યાર્થી ફી નહીં ભરે તેનો પ્રવેશ કન્ફર્મ નહીં ગણાય. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓ જરૂર પડે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરાવી શકશે.
જીકાસ પોર્ટલ થકી થઈ રહેલી પ્રવેશ પ્રક્રિયામાં યુનિવર્સિટી FY (ફર્સ્ટ યર) માં કુલ મળીને 11,496 બેઠકો પર પ્રવેશ આપશે. આ બેઠકોની સામે 22,000 કરતા વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અરજી કરેલી છે.