180 અધ્યાપકોના પ્રમોશનના કારણે યુનિ.સત્તાધીશોને 18 કરોડ એરિયર્સ ચૂકવવું પડશે
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જ ૧૮૦ અધ્યાપકોને પ્રમોશન આપવામાં આવ્યા છે.જેના કારણે તેમના પગારમાં પણ વધારો થયો છે તો યુનિવર્સિટી સત્તાધીશોની નાણાકીય ચિંતા વધી છે.પ્રમોશનના કારણે યુનિવર્સિટીએ આ અધ્યાપકોને એરિયર્સ પેટે જ ઓછામાં ઓછા ૧૮ કરોડ રુપિયા ચૂકવવા પડશે તેવો અંદાજ છે.આમ પ્રમોશનના કારણે યુનિવર્સિટી પરનો અને સરકાર પરનો બોજ વધશે.
મળતી વિગતો પ્રમાણે ૧૮૦ અધ્યાપકો પૈકી ૬૫ અધ્યાપકો એવા છે જેમને આસિસ્ટન્ટ પ્રોફેસરમાંથી એસોસિએટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસરમાંથી પ્રોફેસરનું પ્રમોશન મળ્યું છે.જ્યારે સ્ટેજ એકમાંથી સ્ટેજ બે અને સ્ટેજ બેમાંથી સ્ટેજ ત્રણનું પ્રમોશન મેળવનારા અધ્યાપકોની સંખ્યા ૧૧૫ છે.આ તમામના બેઝિક પગાર, ડીએ અને બીજા ભથ્થામાં થયેલા વધારાને ગણતરીમાં લેવામાં આવે તો એક અંદાજ પ્રમાણે યુનિવર્સિટીને દર મહિને ૫૦ લાખ રુપિયા પગાર પેટે ચૂકવવાના થશે.આમ યુનિવર્સિટી પર ૧૮૦ પ્રમોશનના કારણે દર વર્ષે પગારનો ૬ કરોડનો બોજો વધશે.
આ ઉપરાંત અધ્યાપકોના પ્રમોશન ત્રણ વર્ષ કે તેના કરતા વધારે સમયથી બાકી હતી.આમ તેમને જે તારીખથી પ્રમોશન મળવાપાત્ર હતા તે તારીખથી અત્યાર સુધીનું એરિયર્સ પણ ચૂકવવું પડશે.આ રકમ જ ૧૮ કરોડ રુપિયા જેટલી થવા જાય છે.સૂત્રોના કહેવા પ્રમાણે આ ઓછામાં ઓછી રકમ છે.કારણકે ઘણા અધ્યાપકોના તો પાંચ વર્ષથી પ્રમોશન બાકી હતી.તેમને ચૂકવવાપાત્ર એરિયર્સ ઘણું વધારે હશે.