કાયમી અધ્યાપકોની ભરતીની કવાયત, યુનિ.સત્તાધીશોએ 800 જગ્યાઓ માટે મંજૂરી માગી
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટી સામે અત્યારે સૌથી મોટો પડકાર અધ્યાપકોની કાયમી ખાલી જગ્યાઓ ભરવાનો છે.અગાઉના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે આ જગ્યાઓ ભરવા માટે કવાયત હાથ ધરી હતી.એ પછી નિમાયેલા નિયમિત વાઈસ ચાન્સેલર પ્રો.ભણગેએ આ કવાયતને આગળ ધપાવી છે.
સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે યુનિવર્સિટી દ્વારા કાયમી અધ્યાપકોની લગભગ ૮૦૦ જેટલી જગ્યાઓનું રોસ્ટર બનાવાયું છે અને તેને મંજૂરી માટે રાજ્ય સરકાર પાસે મોકલવામાં આવ્યું છે.જો રાજ્ય સરકાર લીલી ઝંડી આપશે તો દિવાળી બાદ આ જગ્યાઓ ભરવા માટે એક જાહેરનામું બહાર પાડવામાં આવશે અને એ પછી ઉમેદવારો પાસે બાયોડેટા મંગાવાશે.યુનિવર્સિટીમાં છેલ્લે તત્કાલિન વાીસ ચાન્સેલર પ્રો.પરિમલ વ્યાસના કાર્યકાળમાં ૨૦૧૯માં ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.એ પછી કાયમી ભરતી પર બ્રેક વાગેલી છે.અધ્યાપકોની ખાલી જગ્યાઓના કારણે યુનિવર્સિટીને અલગ અલગ રેન્કિંગમાં પણ ફટકો વાગી રહ્યો છે તો સંશોધન અને બીજી શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર પણ ગંભીર અસર પડી રહી છે.
બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવા પણ વિચારણા
યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક કર્મચારીઓની પણ ૮૦૦ ઉપરાંત જગ્યાઓ ખાલી છે અને તેના પર હંગામી ધોરણે ભરતી કરવામાં આવે છે.આ જગ્યાઓ પણ કાયમી ધોરણે ભરવા માટે વિચારણા થઈ રહી છે.જોકે હજી સુધી સરકાર પાસે તેની મંજૂરી માગવામાં આવી નથી.સત્તાધીશો જો ભવિષ્યમાં મંજૂરી મળે તો પણ જગ્યાઓ કેવી રીતે ભરવી તેને લઈને મૂંઝવણમાં છે.આ ભરતી માટે લેખિત પરીક્ષા લેવાના વિકલ્પ પર પણ વિચારણા થઈ શકે છે.સાથે સાથે વર્ષોથી ફરજ બજાવતા હંગામી કર્મચારીઓને પણ પ્રાથમિકતા આપવી પડે તેમ છે.