Get The App

એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 788 જગ્યાઓ પર કાયમી ભરતી માટે કવાયત

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
એમ.એસ.યુનિ.માં અધ્યાપકોની 788 જગ્યાઓ પર કાયમી ભરતી માટે કવાયત 1 - image

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીમાં ૨૦૧૯ બાદ અધ્યાપકોની ખાલી જગ્યાઓ કાયમી ધોરણે ભરવા માટે યુનિવર્સિટી સત્તાધીશોએ કવાયત હાથ ધરી છે.યુનિવર્સિટીમાં અત્યારે અધ્યાપકોની ૭૮૮ જેટલી જગ્યાઓ ખાલી છે.

તાજેતરમાં જ સરકારે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓને પરિપત્ર પાઠવીને આઠમા પગાર પંચનો અમલ થાય તે પહેલા ૩૧ ડિસેમ્બર સુધીમાં ખાલી જગ્યાઓ ભરવા માટે આદેશ આપ્યો હતો અને તેના સંદર્ભમાં સત્તાધીશોએ ખાલી જગ્યાઓ ભરવા માટે કાર્યવાહી શરુ કરી છે.

યુનિવર્સિટીના સૂત્રોના કહેવા પ્રમાણે ૨૦૧૯માં ૬૮૨ જગ્યાઓ ભરવા માટે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું.ઉમેદવારો પાસે અરજીઓ મંગાવીને શરુ કરાયેલા ઈન્ટરવ્યૂમાં ૪૬ જગ્યાઓ ભરાઈ હતી.આ દરમિયાન ભરતી કરવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપો થતા ભરતી અટકી ગઈ હતી.એ પછી કોરોનાના કારણે અધ્યાપકોની ભરતી પર બ્રેક વાગી ગઈ હતી.

પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવે તો કાયમી ભરતી કરવામાં રસ બતાવ્યો નહોતો પરંતુ ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલના કાર્યકાળમાં હવે ભરતીના ભાગરુપે રોસ્ટર બનાવવાની કામગીરી ચાલી રહી છે.જેથી કેટલી જગ્યાઓ અનામત અને કેટલી જગ્યાઓ સામાન્ય કેટેગરીની છે તેની જાણકારી મળે.રોસ્ટર તૈયાર થઈ ગયા બાદ જગ્યાઓ ભરવા માટે સરકારની ઔપચારિક મંજૂરી માગવામાં આવશે.

૪૬ની ભરતી સામે ૧૫૦ અધ્યાપકો નિવૃત્ત થયા 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે  ૨૦૧૯માં ૪૬ અધ્યાપકોની કાયમી ધોરણે ભરતી થઈ હતી અને તેની સામે છેલ્લા ૬ વર્ષમાં ૧૫૦ જેટલા અધ્યાપકો નિવૃત્ત થયા છે.આમ હવે અધ્યાપકોની કાયમી ધોરણે ખાલી પડેલી જગ્યાઓ ૭૮૮ થઈ ગઈ છે. આમ યુનિવર્સિટીને અધ્યાપકોની ભરતી વહેલી તકે કરવી પડે તેવી સ્થિતિ છે.

બિન શૈક્ષણિક કર્મચારીઓની ભરતી કરવાની પણ તૈયારી 

યુનિવર્સિટી સત્તાધીશોએ કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે દિવ્યાંગો માટે અનામત શૈક્ષણિક અને બિન શૈક્ષણિક જગ્યાઓ પર તો ભરતી શરુ પણ કરી દીધી છે.આગામી દિવસોમાં આ જગ્યાઓ માટે ઈન્ટરવ્યૂ યોજવામાં આવશે.સાથે સાથે યુનિવર્સિટીમાં બિન શૈક્ષણિક કર્મચારીઓની પણ ૭૦૦ કરતા વધારે જગ્યાઓ ખાલી છે અને તે પણ ભરવા માટે વિચારણા ચાલી રહી છે.ત્રીજા વર્ગની જગ્યાઓ પર ભરતી માટે સત્તાધીશો લેખિત પરીક્ષા લેવા અંગે પણ વિચારણા કરી રહ્યા છે.જોકે બિન શૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ભરવા માટે સરકાર લીલી ઝંડી આપશે કે કેમ તે એક સવાલ છે.

Tags :